Tuesday, February 22, 2011

૨૧/૦૨/૨૦૧૧ માતૃભાષાથી વિખુટાં પડેલાં બાળકો માતૃભૂમિથી પણ વિખુટાં પડી જાય છે

માતૃભાષાથી વિખુટાં પડેલાં બાળકો માતૃભૂમિથી પણ વિખુટાં પડી જાય છે
પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવનારાં માબાપોએ આજના શુભ દિને તેમને માતૃભાષા પણ ભણાવવાનો સંકલ્પ કરવો જોઈએ
ઈ.સ. ૨૦૦૦ની સાલથી દર વર્ષે ૨૧મી ફેબુ્રઆરીએ 'વિશ્વ માતૃભાષા દિન'ની ઉજવણી કરવામાં આવે છે, તેની ઘણાને ખબર હશે, પણ આ ઉજવણી શા માટે ૨૧મી ફેબુ્રઆરીએ જ કરવામાં આવે છે, તેની ખબર બહુ ઓછા લોકોને હશે. ઈ.સ. ૧૯૯૯ની ૧૭મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેટાસંસ્થા 'યુનેસ્કો' દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે હવેથી દર વર્ષે ૨૧મી ફેબુ્રઆરીની ઉજવણી 'વિશ્વ માતૃભાષા દિવસ' તરીકે કરવી. આ ઠરાવના અમલરૃપે સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો ઈ.સ. ૨૦૦૦ની સાલથી 'વિશ્વ માતૃભાષા દિન'ની ઉજવણી કરતા આવ્યા છે. આ ઉજવણીના મૂળમાં ઈ.સ. ૧૯૫૨ની ૨૧મી ફેબુ્રઆરીએ ભારતના પડોશી બાંગલાદેશમાં બનેલી એક ઘટના છે. આ ઘટનામાં ચાર યુવાનો માતૃભાષા માટે લડતાં શહીદ થઈ ગયા હતા.
ઈ.સ. ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન આઝાદ થયા ત્યારે પાકિસ્તાન પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. પશ્ચિમ પાકિસ્તાનની મુખ્ય ભાષા ઊર્દૂ હતી તો પૂર્વ પાકિસ્તાનની મુખ્ય ભાષા બંગાળી હતી. પાકિસ્તાનના લગભગ બધા મુખ્ય શાસકો પશ્ચિમ પાકિસ્તાનમાંથી આવતા હોવાથી તેમણે સરકારી કામકાજની ભાષા તરીકે પૂર્વ પાકિસ્તાન ઉપર પણ ઊર્દૂ ભાષા ઠોકી બેસાડી હતી. પૂર્વ પાકિસ્તાનની પ્રજાએ આ દાદાગીરીનો વિરોધ કર્યો હતો અને બંગાળીને સત્તાવાર ભાષા બનાવવા ઉગ્ર આંદોલન છેડી દીધું હતું. આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર ઢાકાની યુનિવર્સિટી બની ગઈ હતી. ઈ.સ. ૧૯૫૨ની ૨૧મી ફેબુ્રઆરીએ પાકિસ્તાનની પોલીસે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર વિદ્યાર્થીઓ શહીદ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓની શહાદત પછી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને પાકિસ્તાનની સરકારને બંગાળીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ફરજ પડી હતી. ઈ.સ. ૧૯૭૧માં બાંગ્લાદેશને આઝાદી મળી તે પછી તો આ દેશની સત્તાવાર ભાષા જ બંગાળી બની ગઈ હતી. ઢાકા યુનિવર્સિટીમાં જે સ્થળે આ ચાર યુવાનો શહીદ થયા હતા ત્યાં સ્મારક બનાવવામાં આવ્યું છે અને બાંગલા દેશની પ્રજા આ દિવસને 'શહીદ દિન' તરીકે ઉજવતી આવી છે.
આજના બાંગલા દેશમાં બંગાળીને રાજકીય કારભારની ભાષા બનાવવા માટે જે ઉગ્ર આંદોલન થયું તેવું કોઈ આંદોલન ભારતમાં થયું નહોતું. તેનું કારણ એ હતું કે ભારતની આઝાદી માટે લડનારા કોંગ્રેસના મોટાભાગના નેતાઓ અંગ્રેજી ભાષાના ગુલામ હતા. મોતીલાલ નેહરુ, ગાંધીજી, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકર જેવા નેતાઓ પરદેશ જઈને બેરીસ્ટર બની આવ્યા હતા અને અંગ્રેજી ભાષાથી અત્યંત પ્રભાવિત હતા. આ કારણે જ સ્વતંત્ર ભારતનું બંધારણ પણ પહેલા અંગ્રેજી ભાષામાં બનાવીને તેનો પાછળથી હિન્દીમાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. ભારતની બંધારણ સભાની મોટા ભાગની ચર્ચાઓ પણ અંગ્રેજી ભાષામાં જ થતી હતી. આ બંધારણ ઘડનારા મોટા ભાગના સભ્યોએ શિક્ષણ પણ અંગ્રેજી ભાષામાં જ લીધું હતું. આ કારણે જ તેમણે કોઈપણ જાતના વિરોધ વિના સરકારી કામકાજની ભાષા પણ અંગ્રેજી રાખી હતી. અંગ્રેજી ભાષાની આ ગુલામીમાંથી આપણે હજી બહાર આવ્યા નથી. આજે પણ આપણી સંસદમાં જે કાયદાઓ ઘડાય છે તે અંગ્રેજી ભાષામાં ઘડાય છે અને અદાલતોની કાર્યવાહી પણ અંગ્રેજીમાં જ ચાલે છે. સંસદમાં દેશનું જે બજેટ રજૂ થાય છે તે અંગ્રેજી ભાષામાં હોય છે અને કેન્દ્ર સરકાર હસ્તકનાં બોર્ડમાં શિક્ષણ પણ અંગ્રેજી માધ્યમમાં જ આપવામાં આવે છે.
જાહેર જીવનના દરેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાની ગુલામી આપણને એટલી કોઠે પડી ગઈ છે કે આપણને તે ગુલામી જ લાગતી નથી. આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે અંગ્રેજોને ધિક્કારતા હતા. લોર્ડ મેકોલેએ તેનો રસ્તો કાઢ્યો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીનો પાયો નાંખ્યો. અંગ્રેજી ભણેલાઓને સરકારી નોકરીઓમાં પ્રાધાન્ય આપવા માંડયું. તેને પરિણામે પ્રજાએ અંગ્રેજી પદ્ધતિની કેળવણી લેવા દોટ મૂકી. જે અંગ્રેજો આપણને દુશ્મન લાગતા હતા તેના પ્રત્યેની ભક્તિ અંગ્રેજી પદ્ધતિની કેળવણી લીધેલા વર્ગમાં પેદા થવા લાગી. અંગ્રેજોને જ્યારે ભારત છોડવાની નોબત આવી ત્યારે તેમણે સિફતપૂર્વક સત્તા પણ આ અંગ્રેજી કેળવણી લીધેલા વફાદાર વર્ગના હાથમાં સોંપી દીધી. આ કારણે ભારતની પ્રજા અંગ્રેજી ભાષાને નફરત કરવાને બદલે તેની પાછળ પાગલ બનીને દોડવા લાગી છે.
અંગ્રેજી પદ્ધતિની કેળવણી લઈને બેરીસ્ટર બનેલા ગાંધીજીની મહાનતા એ હતી કે તેમને પાછલી જિંદગીમાં માતૃભાષાનું મહત્વ સમજાયું હતું અને તેમણે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ તેની સખત હિમાયત કરી હતી. આજનાં માબાપોમાં પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જે ઘેલછા જોવા મળે છે તેનાં મૂળ આપણા માનસમાં ઘર કરી ગયેલી અંગ્રેજી સલ્તનતની ગુલામીમાં પડેલા છે. અંગ્રેજી આપણા શાસકોની ભાષા હતી. અંગ્રેજોના રાજ્યમાં જેમણે અંગ્રેજી ભાષામાં કેળવણી લીધી હોય તેમને સરકારી નોકરીઓ ઉપરાંત, મ્યુનિસિપાલિટીઓ, પ્રાંતોની ધારાસભાઓ અને દેશની સંસદમાં પણ સહેલાઈથી પ્રતિનિધિત્વ મળી જતું. બીજા શબ્દોમાં અંગ્રેજો તેમને પોતાના હાથમાં રહેલી સત્તાના થોડાક ટુકડાઓની લાલચ આપીને તેમની વફાદારી ખરીદી લેતા હતા. ઈ.સ. ૧૯૪૭માં આપણા દેશને સ્વતંત્રતા મળી તે પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડયો નથી. આજે પણ આઈએએસ જેવી ઉચ્ચ સરકારી નોકરીઓમાં ફ્લુઅન્ટ અંગ્રેજી જાણનારને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કારણે પ્રજામાં અંગ્રેજીની ઘેલછા વધી રહી છે.
ભારતમાં જે રીતે અંગ્રેજ સલ્તનત આપણું રાજકીય શોષણ કરતી હતી તેમ આ સલ્તનતનો આશ્રય લઈને આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતનું આર્થિક શોષણ કરતી હતી. ભારતની પ્રજાનો મોટો વર્ગ આ શોષણનો વિરોધ કરવા આ વિદેશી કંપનીઓ સામે સ્વદેશીનું આંદોલન ચલાવતો હતો પણ એક નાનકડો વર્ગ અંગ્રેજી પદ્ધતિની કેળવણી લઈને આ વિદેશી કંપનીઓના કર્મચારીઓ સાથે તેમની સાથે ભળી ગયો હતો. ઈ.સ. ૧૯૪૭માં ભારતને રાજકીય આઝાદી તો મળી પણ મલ્ટીનેશનલ કંપનીઓના આર્થિક સામ્રાજ્યમાંથી આપણને આજે પણ આઝાદી મળી નથી. આજે હજારો મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં ધંધો કરી રહી છે અને ભારતના ગરીબ તેમજ મધ્યમવર્ગની પ્રજાનું આર્થિક શોષણ કરીને અબજો ડોલર પોતાના દેશભેગા કરી રહી છે. ભારતના કરોડો યુવાનો આ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા દેશના થતાં શોષણનો વિરોધ કરવાને બદલે તેમાં તગડા પગારની નોકરીઓ મેળવવા અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં શિક્ષણ લેવા દોટ મૂકે છે. તેઓ એમબીએ જેવી ડિગ્રીઓ લઈને આ વિદેશી કંપનીઓના નોકર બનવામાં ગર્વનો અનુભવ કરે છે.
અંગ્રેજી માધ્યમનું શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓમાં અંગ્રેજ પ્રજા અને અંગ્રેજ સભ્યતા પ્રત્યે આંધળો પ્રેમ પેદા થાય છે તે ભારતના સ્વાભિમાન માટે અત્યંત ચિંતાજનક બાબત છે. તેના કરતાં પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે તેમના મનમાં ભારતના ધર્મો, ભારતની સંસ્કૃતિ અને ભારતના ભવ્ય વારસા બાબતમાં તિરસ્કારની ભાવના પેદા થાય છે. અંગ્રેજી માધ્યમની ઘેલછા ધરાવતાં માબાપો પોતાનાં બાળકો માતૃભાષા બોલી ન શકતા હોય તેના બદલ શરમ અનુભવવાને બદલે ગર્વનો અનુભવ કરે છે. જે માબાપો સમજદારી વાપરીને પોતાનાં બાળકોને માતૃભાષામાં ભણાવતાં હોય તેમના પ્રત્યે પણ તેઓ તિરસ્કારની નજરે જુએ છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો માતૃભાષામાં લખાયેલા ઉત્તમ સાહિત્યના ખજાનાથી વંચિત રહી જાય છે તેનો કોઈ અફસોસ તેમના ચહેરા ઉપર જોવા મળતો નથી. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો માત્ર અંગ્રેજી ભાષાના જ ગુલામ નથી બનતા, તેઓ અંગ્રેજી સંસ્કૃતિના પણ ગુલામ બની જાય છે.
ભારતની ભાષાઓમાં આયુર્વેદ, જ્યોતિષ, ખગોળ, ભૂગોળ, નીતિશાસ્ત્ર, તત્ત્વજ્ઞાાન, યોગશાસ્ત્ર, વાસ્તુ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય વગેરેનો વિપુલ ખજાનો પડયો છે. અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેનારાં બાળકો આ ભવ્ય ખજાનાથી વંચિત રહી જાય છે. ગુજરાતી ભાષામાં ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, રમણલાલ વસંતલાલ દેસાઈ, ગુણવંતરાય આચાર્ય, ઉમાશંકર જોષી, મનુભાઈ પંચોળી, પન્નાલાલ પટેલ, સ્વામી આનંદ જેવા ઉત્તમ સાહિત્યકારો થઈ ગયા, જેમણે સમૃદ્ધ સાહિત્યનું સર્જન કર્યું છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ સાહિત્યના આ સમૃદ્ધ વારસાથી વંચિત રહી જાય છે. ભારતીય ભાષાના જ્ઞાાનથી વંચિત રહેતાં બાળકો ભારતના પર્વો, તહેવારો, રીતરિવાજો, ધર્મો અને સંસ્કૃતિથી પણ દૂર થઈ જાય છે. માતૃભાષા પ્રત્યે તિરસ્કાર ધરાવતાં બાળકો માતૃભૂમિ પ્રત્યે પણ તિરસ્કાર ધરાવતા થઈ જાય છે. તક મળે ત્યારે તેઓ ભારત છોડીને વિદેશમાં વસવાટ કરવા ચાલ્યા જાય છે.
અંગ્રેજી માધ્યમમાં ભણનારાં બાળકો ગુજરાતી અખબારો પણ વાંચતાં નથી. આ કારણે આપણા સમાજમાં શું બની રહ્યું છે તેની પણ તેમને ગતાગમ નથી હતી. તેઓ આ લેખ પણ વાંચવાના નથી, જેમાં તેઓ શું ગુમાવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવનારાં માબાપો જો આ લેખ વાંચતાં હોય તો તેમણે આ લેખનું અંગ્રેજીમાં રૃપાંતર કરીને પણ તેને પોતાનાં બાળકોને વંચાવવો જોઈએ. જો તેમને એમ લાગે કે તેમણે પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવીને મોટી ભૂલ કરી છે તો તેના પ્રાયશ્ચિત તરીકે કમ સે કમ આજના શુભ દિને પોતાનાં અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકને માતૃભાષાનું શિક્ષણ આપવાનો સંકલ્પ કરવો જોઈએ. જે બાળક માતૃભાષા ભણ્યું હશે તે કદી પોતાની માતાનો અને માતૃભૂમિનો તિરસ્કાર નહીં કરે.
-સંજય વોરા.

No comments:

Post a Comment