એક હાથે તાળી પડતી નથી તેમ એકલા રાજકારણીઓ દેશની
જનતાને લૂંટી શકતા નથી. રાજકારણીઓને જયારે ઉદ્યોગપતિઓનો સાથ મળે છે ત્યારે તેમની જોડી ખતરનાક બને છે. ઉદ્યોગપતિઓ કાયદાઓ તોડીને દેશની જનતાને લૂંટવાના રસ્તાઓ શોધી કાઢે છે. રાજકારણીઓ તેમને સંરક્ષણ આપે છે અને દેશને લૂંટવાની સુવિધા કરી આપે છે. તેના બદલામાં જે દલ્લો હાથમાં આવે છે તેને રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મળીને વહેંચી ખાય છે. આ પ્રક્રિયાનું આદર્શ ઉદાહરણ આપણને ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીબી ગુ્રપના અધ્યક્ષ શાહીદ ઉસ્માન બલવાની જુગલબંધીમાં જોવા મળ્યું છે. ફોર્બ્સ મેગેઝિનના અબજોપતિઓની યાદીમાં સ્થાન પામનારા ઉદ્યોગપતિ શાહીદ ઉસ્માન બલવાના સાથસહકારના કારણે જ એ. રાજા આટલું જબ્બર ટેલિકોમ કૌભાંડ આચરી શકયા હતા.
ઇ. સ. ૨૦૦૯ના નવેમ્બર મહિનામાં બ્રિટનના વિખ્યાત ફોર્બ્સ મેગેઝિને ભારતના ૫૦ અબજપતિઓની યાદીમાં ડી. બી. રિયાલિટીના અધ્યક્ષ શાહીદ બલવાનું નામ સામેલ કર્યું ત્યારે તેઓ અચાનક લાઇમલાઇટમાં આવી ગયા હતા. ફોર્બ્સની યાદીમાં જેટલાં અબજોપતિઓનાં નામો છપાય છે, તેમાંના લગભગ કોઇ દૂધે ધોયેલા નથી હોતા. સો ચૂહા મારીને આ અબજપતિઓ હજ કરવા નીકળ્યા હોય તેમ નાની નાની ખેરાતો કરીને સમાચારોમાં ચમકયા કરતા હોય છે. ફોર્બ્સ મેગેઝિનના અંદાજ મુજબ શાહીદ બલવા પાસે તે સમયે કુલ ૧.૨ અબજ ડોલરની કુલ સંપત્તિ હતી પણ સીબીઆઈએ બલવાની ધરપકડ કરી તે પછી હજી સુધી તેને બલવાની ખરેખરી સંપત્તિનો અંદાજ મળ્યો નથી. સીબીઆઈને શાહીદ બલવાની સંપત્તિનો સાચો અંદાજ કાઢતા છ મહિના લાગી જશે. શાહીદ ઉસ્માન બલવા ડી. બી. રિયાલિટી કંપનીમાં જે શેરોની માલિકી ધરાવે છે તેનો જો હિસાબ કરીએ તો તેમની પાસે બહુ ઓછી મૂડી હોવાનું જણાય છે. બલવા પાસે તેમની મુખ્ય કંપનીના માત્ર ૭૪,૩૪૦ જેટલા શેર છે. બલવાની ધરપકડ થઇ તે પહેલા તેમની પાસેના આ શેરોની કિંમત આશરે ૨,૪૨૩ કરોડ રૃપિયા હતી. ધરપકડને પગલે શેરોની કિંમતમાં આવેલા કડાકાને કારણે તેમની મૂડી ૪૫૦ કરોડ રૃપિયા જેટલી ઘસાઇને ૧,૯૭૮ કરોડ રૃપિયા જેટલી રહી ગઈ છે. જો કે શાહીદ બલવાએ આઇઝલ ઓફ મેન કે મોરેસિયસ જેવા કરચોરોના સ્વર્ગમાં કેટલી પ્રાઇવેટ કંપનીઓ ખોલી છે અને તેમાં કેટલી મૂડી જમા કરાવી છે તેનો કોઇ અંદાજ સીબીઆઈ પાસે નથી. તેણે પોતાની જ કંપનીના શેરોમાં ઇન્સાઇડર ટ્રેડીંગ કરીને કમાણી કરી હોય તો પણ તેની ખબર આજની તારીખમાં સીબીઆઈને નથી.
ભારતના અન્ય હાઇ ફલાઇંગ ઉદ્યોગપતિઓની જેમ શાહીદ બલવા પાસે પણ પોતાના પ્રાઇવેટ વિમાનોનો કાફલો છે. તેમની પાસે બે જેટ વિમાનો અને બે હેલિકોપ્ટરો છે. એક જેટ વિમાન ૪ સીટની ક્ષમતા ધરાવે છે તો બીજું જેટ નવ બેઠકો ધરાવે છે. એક હેલિકોપ્ટર પાંચ બેઠકો ધરાવે છે તો બીજું હેલિકોપ્ર છ બેઠકો ધરાવે છે. શાહીદ બલવાને પોતાના વ્યકિતગત ઉપયોગ માટે આ વિમાનો કે હેલિકોપ્ટરોની જરૃર ન હોય ત્યારે તેઓ તેને ભાડે ફેરવે છે. આ માટે તેમણે ઇકોન એર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી છે.
ડીબી ગુ્રપની કંપનીઓની બેલેન્સ શીટનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે તેમણે એક કંપનીમાંથી બીજી કંપનીઓમાં અબજો રૃપિયાની લોન કોઇ પણ જાતના સિકયુરિટી વિના છૂટથી આપી છે. આ જૂથની કંપની કુસેગાંવ રિયાલિટી લિમિટેડે મોરાની બ્રધર્સની માલિકીની કંપની સિનેયુગ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડને ૨૧૪ કરોડ રૃપિયાની લોન આપી હતી. આ લોન છેવટે તામિલનાડુના મુખ્ય પ્રધાન કરૃણાનિધિના પરિવારની માલિકીની ટીવી ચેનલ કલાઇગનર ટીવીમાં ચાલી ગઇ હતી. આ લોન નહોતી પણ હકીકતમાં લાંચ હતી. આ રીતે શાહીદ બલવાની અનેક કંપની દ્વારા બીજી અનેક કંપનીઓને લોનો આપી છે અને અમુક કંપનીઓ પાસેથી લોનો લીધી પણ છે. આ પૈકી કેટલીક લોનોનું પગેરું ટેકસ હેવન તરીકે વિખ્યાત દેશો સુધી જાય છે. આ ઉપરાંત અબજો રૃપિયાની મૂડી જમીનોમાં પણ રોકાયેલી છે. ડી.બી. ગુ્રપના પ્રોસ્પેકટસમાં જ લખ્યું છે કે તેમના જૂથની કુલ ૬૨ કંપનીઓ અસ્તિત્વમાં છે. આ બધી જ કંપનીઓની બેલેન્સ શીટોનો અને સ્ટોક હોલ્ડીંગ પેટર્નનો અભ્યાસ કરવામાં આવે તે પછી જ ખ્યાલ આવે કે શાહીદ બલવા પાસે હકીકતમાં કેટલી સંપત્તિ છે.
થોડા દિવસ પહેલા શેર બજારની એક અફવાના પગલે અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો હતો. આ અફવા તદ્ન પાયા વગરની નહોતી તેનો ખ્યાલ હવે આવી રહ્યો છે. સીબીઆઈની કસ્ટડીમાં રહેલા ડી.બી. જૂથના અધ્યક્ષ શાહીદ ઉસ્માન બલવાએ કબૂલ કર્યું હતું કે અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડની મદદથી જ તેણે સ્વાન ટેલિકોમ પ્રા. લિ. કંપનીની સ્થાપના કરી હતી અને ૨-જી લાઇસન્સ માટે અરજી કરી હતી. હકીકતમાં અનિલ ધીરુભાઈ અંબાણી જૂથે આ નવી કંપનીના પ્રેફરન્સિયલ શેરો ખરીદીને તેને મૂડી આપી હતી અને આ જૂથના કેટલાક સભ્યો સ્વાન ટેલિકોમ કંપનીના બોર્ડમાં પણ હતા. અનિલ ધીરુભાઈ અંબાણી જૂથે પાછળથી પોતાનો હિસ્સો મોરેશિયસની એક કંપનીને વેચી માર્યો હતો. આ કંપની કદાચ ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાની માલિકીની પણ હોઇ શકે છે. તેને લાંચના રૃપમાં સ્વાન ટેલિકોમ કંપનીના શેરો મળ્યા હોય તે પણ સંભવિત છે.
સીબીઆઈના અધિકારીઓની જાણમાં એક ભેદી હકીકત આવી છે કે જે દિવસે ૨-જી સ્પેકટ્રમ માટે અરજી કરવાની છેલ્લી તારીખ હતી ત્યારે, એટલે કે, ઇ.સ. ૨૦૦૭ની પહેલી ઓકટોબરે શાહીદ બલવા સ્વાન ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેકટર તરીકે જોડાયા હતા. શાહીદ બલવા સાથે તેમના પાર્ટનર વિનોદ ગોયેન્કા પણ આ જ તારીખે સ્વાન ટેલિકોમના ડાયરેકટર બન્યા હતા. શાહીદ બલવાએ આપેલી માહિતી મુજબ ૨-જી સ્પેકટ્રમની અરજી કરવા માટે કંપનીને બેંકની લોનની જરૃર હતી પણ આ લોન તેના પ્રમોટરોની વ્યકિતગત ગેરન્ટી ઉપર જ મળી શકે તેમ હતી. શાહીદ બલવા સ્વાન ટેલિકોમના ડાયરેકટર બન્યા તેના ચાર જ દિવસમાં તેઓ તેના મેનેજીંગ ડાયરેકટર પણ બની ગયા હતા. શાહીદ બલવા ત્યાં સુધી ટેલિકોમ ક્ષેત્રમાં કોઇ અનુભવ ધરાવતા નહોતા. હકીકતમાં અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની ફ્રન્ટ કંપની તરીકે જ સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી.
સ્વાન ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપનીની સંડોવણી બહાર આવી તેને પગલે સીબીઆઈએ આ જૂથના કેટલાક ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ પણ શરૃ કરી છે. આ પૂછપરછને કારણે અનિલ અંબાણી જૂથની કંપનીના શેરોના ભાવો ગગડી જશે તેવો ભય પણ ઉભો થયો છે. આ ભયને હળવો કરવા અનિલ અંબાણી જૂથે એવો પ્રચાર ચાલુ કર્યો કે ૨-જી કૌભાંડમાં માત્ર અમારી જ નહીં પણ બીજી ૧૦ કંપનીઓની પણ પૂછપરછ ચાલી રહી છે. અનિલ અંબાણી જૂથે એવો પ્રચાર ચાલુ કર્યો છે કે ટેલિકોમ ખાતાના અધિકારીઓએ તગડી લાંચ લઇને કેટલીક નવી કંપનીઓનાં લાઇસન્સોની મર્યાદા ૧૦ વર્ષથી વધારીને ૨૦ વર્ષની કરી આપી તેની પણ તપાસ થવી જોઈએ. ગયા સપ્તાહે સુપ્રિમ કોર્ટના જજે એવી કોમેન્ટ કરી હતી કે કોઇ ઉદ્યોગપતિ અબજોપતિઓની યાદીમાં સામેલ થયા હોય તો તેમની પણ શેહશરમ રાખ્યા વિના સીબીઆઈએ પોતાની તપાસ આગળ ધપાવવી જોઈએ. સુપ્રિમ કોર્ટના વિદ્વાન જજ સાહેબનો ઇશારો શાહીદ બલવા ઉપરાંત અનિલ અંબાણી તરફ પણ હતો એવું કેટલાક લોકો માને છે. રિલાયન્સ ટેલિકોમ કંપનીને ટેલિકોમ ખાતાં તરફથી ફાળવવામાં આવેલાં ડયુઅલ સર્વિસ લાઇસન્સ બાબતમાં પણ ટેલિકોમ ખાતાંએ ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. રિલાયન્સ ટેલિકોમ અને ટાટા ટેલિસર્વિસીસ કંપનીને લાઇસન્સ ઇ.સ. ૨૦૦૭ના ઓકટોબર મહિનામાં આપી દેવામાં આવ્યું હતું પણ આ બાબતની સરકારી નીતિ ઇ.સ. ૨૦૦૮ના જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવી હતી. આ બાબતમાં હવે ટાટા જૂથ અને રિલાયન્સ જૂથ વચ્ચે શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું છે. ટાટા કંપની સામે આંગળી ચિંધતાં રિલાયન્સ ધીરુભાઈ અંબાણી જૂથે નિવેદન કર્યું છે કે કેન્દ્ર સરકારની યુનિફાઇડ લાઇસન્સ પોલિસીનો લાભ ટાટાને પણ મળ્યો હતો. ટાટા જૂથે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે રિલાયન્સ જૂથને તમામ સર્કલમાં યુનિફાઇડ લાઇસન્સ મળી ગયું હતું જયારે ટાટાને આજ સુધી દિલ્હી સર્કલનું લાઇસન્સ મળ્યું નથી. આ રીતે હવે ભારતના બે મુખ્ય ઉદ્યોગ ગૃહો એકબીજા ઉપર દોષારોપણ કરવામાં પડયા છે.
ટેલિકોમ કૌભાંડમાં એ. રાજા જયારે સીબીઆઈની કસ્ટડીની હવા ખાઇ રહ્યા છે ત્યારે ટીવીની ચેનલે ઇ.સ. ૨૦૦૭ના નવેમ્બર મહિનામાં રતન ટાટાએ ડીએમકેના સુપ્રિમો કરૃણાનિધિ ઉપર લખેલો એક પત્ર પ્રગટ કર્યો છે જેમાં રતન ટાટાએ ત્યારના ટેલિકોમ પ્રધાન એ. રાજાના બે મોઢે વખાણ કર્યા છે. આ વખાણ ટાટા કંપનીને યુનિફાઇડ લાયસન્સ મળ્યા પછી કરવામાં આવ્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે રતન ટાટાએ આ પત્ર પોતાના સ્વહસ્તાક્ષરમાં લખીને નીરા રાડિયા મારફતે કરૃણાનિધિને મોકલ્યો હતો. આપણા દેશની તિજોરી ઉપર પસ્તાળ પાડનારા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ એકબીજાની પીઠ થાબડવામાં કેટલા આતુર રહે છે તેનો ખ્યાલ આ પત્ર ઉપરથી આવે છે. રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા ચાલતી આ લૂંટફાટને અટકાવવામાં સુપ્રીમ કોર્ટ સફળ થશે કે કેમ તે જોવાનું રહે છે.
No comments:
Post a Comment