Friday, February 18, 2011

શાહીદ ઉસ્માન બલવા કેવી રીતે ઝડપથી અબજોપતિ બની ગયા ?

શાહીદ ઉસ્માન બલવા કેવી રીતે ઝડપથી અબજોપતિ બની ગયા ?
રાજકારણીઓ અને અન્ડરવર્લ્ડ સાથે ઘરોબો કેળવીને ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરવાની વિદ્યામાં શાહીદે માસ્ટરી મેળવી લીધી છે

૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાં એ. રાજા સાથેની સંડોવણી બદલ ડીબી જૂથના મેનેજીંગ ડાયરેકટર શાહીદ બલવાની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ અત્યારે સીબીઆઈની કસ્ટડીમાં છે. ૩૭ વર્ષના શાહીદ બલવાનું વતન ગુજરાત છે. તેઓ પાલનપુર નજીકના પિરોઝપુરા ગામના મૂળ વતની છે. તેઓ સુન્ની મુસ્લિમ છે. તેમની કોમ ચિલિયા તરીકે ઓળખાય છે. જૂના જમાનામાં મુંબઈમાં જે ઘોડાગાડીઓ ચાલતી હતી તેની માલિકી આ કોમની રહેતી હતી. અત્યારે તેઓ મુંબઇમાં ટેકસીઓ ચલાવે છે. શાહીદનો જન્મ મુંબઇ સેન્ટ્રલની એક ગીચ ચાલીમાં થયો હતો. શાહીદના પિતા ઉસ્માન મધ્ય મુંબઇમાં બલવાસ ઇન્ટરનેશનલ નામની એક નાનકડી હોટેલની માલિકી ધરાવતા હતા. એક નાનકડી હોટેલના માલિકમાંથી શાહીદ બલવા મોટા ઔદ્યોગિક સામ્રાજ્યના માલિક બની ગયા છે.
મુંબઇના બિલ્ડરો રાજકારણીઓ અને માફિયાઓના સહકારથી કેવી રીતે રાતોરાત અબજોપતિ બની જાય છે તેનું આદર્શ ઉદાહરણ શાહીદ બલવા છે. શાહીદ બલવાના પિતા પાસે જમીનનો એક નાનકડો ટુકડો હતો. આ જમીન મુંબઇના એક સમયના અન્ડવર્લ્ડ ડોન યુસુફ પટેલે ખરીદી હતી. આ રીતે શાહીદના પિતા યુસુફ પટેલના સંપર્કમાં આવ્યા હતા. યુસુફ પટેલનો પુત્ર નબીલ શાહીદનો દોસ્ત બની ગયો હતો. તેમણે ભાગીદારીમાં નીલકમલ રિયાલેટર નામની કંપની શરૃ કરી હતી. નબીલ અને શાહીદે તેમની હોટેલની દસ બાય દસની રૃમમાં પોતાની પહેલી ઓફિસ શરૃ કરી હતી. તેમણે ભાગીદારીમાં કાલિ એપાર્ટમેન્ટ નામનું જૂનું મકાન ખરીદી લીધું હતું. યુસુફ પટેલે પોતાના અન્ડરવર્લ્ડના સંબંધોનો ઉપયોગ કરીને તેને ખાલી કરાવ્યું હતું અને તેને સ્થાને ઓર્કિડ એપાર્ટમેન્ટ નામનું આલિશાન મકાન બનાવ્યું હતું. શાહીદ બલવાએ મહારાષ્ટ્રના અનેક રાજકારણીઓ સાથે ઘરોબો કેળવ્યો હતો. ટૂંક સમયમાં તેમણે મુંબઇમાં અનેક વૈભવશાળી મકાનો અને મોલ્સનું બાંધકામ કરવા માંડયું હતું. રિયલ એસ્ટેટના ધંધામાં તેમની હથોટી આવી ગઇ હતી.
રિયલ એસ્ટેટના ધંધામાં શાહીદ બલવાએ ઇ.સ. ૧૯૯૭-૯૮માં ડાયનામિક્સ જૂથના વિનોદ ગોયેન્કા સાથે ભાગીદારી કરી. વિનોદ ગોયેન્કાનો પરિવાર બારામતી નજીક ડાયનામિકસ ડેરીની માલિકી ધરાવતો હતો. બારામતી શરદ પવારનું હોમ ટાઉન હોવાથી વિનોદ ગોયેન્કાને શરદ પવાર સાથે પણ ઘર જેવા સંબંધો હતા. આ સંબંધોનો લાભ તેમને રિયલ એસ્ટેટના ધંધામાં પણ મળ્યો હતો. સહાર એરપોર્ટની નજીકમાં વિનોદ ગોયેન્કા પાસે એક મોકાની જમીન હતી. શાહીદ બલવાની યોજના ત્યાં ફાઇવ સ્ટાર હોટલ બનાવવાની હતી. આ બાબતમાં બલવા વારંવાર વિનોદ ગોયેન્કાને મળતો હતો. આ મુલાકાતોમાંથી તેઓ ભાગીદાર બની ગયા અને તેમણે સહાર એરપોર્ટ નજીક ફાઇવ સ્ટાર લા મરિડીયન હોટેલ બાંધી. થોડા સમય પછી તેમણે ડીબી રિયાલિટી કંપનીની સ્થાપના કરી હતી. ડીબી રિયાલિટી નામમાં 'ડી' નો અર્થ 'ડાયનામિકસ' થાય છે અને 'બી'નો અર્થ 'બલવા' થાય છે.
ટેલિકોમ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એ. રાજા જ્યારે કેન્દ્રમાં વન અને પર્યાવરણ ખાતાંના પ્રધાન હતા ત્યારે તેમનો પરિચય શાહીદ બલવા સાથે થયો હતો. ઇ. સ. ૨૦૦૪ની સાલમાં મુંબઇના માહુલમાં એક બિલ્ડીંગના પ્રોજેકટને પર્યાવરણ ખાતાંની મંજૂરી અપાવવા તેઓ તત્કાલીન વન અને પર્યાવરણ ખાતાંના પ્રધાન ટી. બાલુને મળ્યા હતા. આ મંજૂરી મળે તે પહેલા કેન્દ્રમાં સરકાર બદલાઈ ગઈ અને યુપીએ-૧ સરકારમાં એ. રાજા વન અને પર્યાવરણ ખાતાંના પ્રધાન બન્યા. ટી. બાલુએ શાહીદ બલવાના કહેવાથી તેમની ઓળખાણ એ. રાજા સાથે કરાવી. એ. રાજા સાથે શાહીદ બલવાને જામી ગયું. રાજાએ બલવાના બિલ્ડીંગ પ્રોજેકટને પર્યાવરણની મંજૂરી આપી દીધી. એ. રાજા જયારે વન અને પર્યાવરણ ખાતાંના પ્રધાન હતા ત્યારે જ શાહીદ બલવા ઉપરાંત પાર્શ્વનાથ બિલ્ડર્સ અને યુનિટેક બિલ્ડર્સ જેવી મોટી રિયાલિટી કંપનીઓના માલિકો એ. રાજાના સંપર્કમાં તેમના પ્રોજેકટો કિલયર કરાવવા માટે આવ્યા હતા. એ. રાજા જયારે ટેલિકોમ ખાતામાં પ્રધાન બન્યા ત્યારે આ ત્રણેય કન્સ્ટ્રકશન કંપનીઓએ એ. રાજા સાથે વાજાં વગાડવા માટે પહેલી વખત ટેલિકોમ ક્ષેત્રમાં ઝંપલાવી દીધું અને રાજાએ પણ તેમને લાઇસન્સોની લહાણી કરીને ન્યાલ કરી દીધા.
શાહીદ બલવાએ ટેલિકોમનો ધંધો કરવા માટે સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હસ્તગત કરી. આ કંપનીએ જે દિવસે ભારતમાં ૧૩ સર્કલ માટે ૨-જી લાઇસન્સની અરજી કરી તે જ દિવસે શાહીદ બલવા અને વિનોદ ગોયેન્કા તેના ડીરેકટર બન્યા. સ્વાન ટેલિકોમ કંપનીને ૧૫ સર્કલમાં મફતના ભાવે લાઇસન્સ મળ્યું તે પછી દુબઇની એટિસલાટ ટેલિકોમ કંપનીએ સ્વાન ટેલિકોમનો ૪૫ ટકા હિસ્સો ૯૦ કરોડ ડોલર (આશરે ૪૦૫૦ કરોડ રૃપિયા)માં ખરીદી લીધો. એટિસલાટ કંપનીમાં દાઉદ ઇબ્રાહિમની ભાગીદારી પણ હોવાનું કહેવાય છે. એટિસલાટ કંપની પાકિસ્તાનની ટેલિકોમ કંપની પીટીએસએલમાં પણ ભાગીદારી ધરાવે છે. ભારતીય જાસૂસી સંસ્થાઓના હેવાલ મુજબ આ પાકિસ્તાની કંપની આઇએસઆઇના અંકુશમાં છે, જે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ ફેલાવે છે. સ્વાન ટેલિકોમ કંપનીમાં દુબઇની એટિસલાટ કંપનીની ભાગીદારી સામે કેન્દ્રના ગૃહ ખાતાંએ પણ વાંધો ઉઠાવ્યો હતો. હવે સ્વાન ટેલિકોમ કંપનીનું નામ બદલાઇને ડીબી-એટિસલાટ થઇ ગયું છે. ભારતમાં તેઓ 'ચિયર્સ'ના બ્રાન્ડનેમ હેઠળ મોબાઇલનો ધંધો કરી રહ્યા છે.
શાહીદ બલવાનું શિક્ષણ મઝગાંવ વિસ્તારમાં આવેલી સેન્ટ મેરી હાઈસ્કૂલમાં થયું હતું. શાહીદ એક ઠોઠ નિશાળિયો હતો. સેન્ટ મેરી સ્કૂલમાં નિયમ હતો કે લાંબા વાળ રાખવા નહીં. શાહીદ બલવાને લાંબા વાળનો શોખ હતો. આ કારણે સ્કૂલની શિક્ષિકાએ શાહીદના વાળ હજામને બોલાવીને ટૂંકા કરાવી નાંખ્યા હતા. આ વાત જાણીને શાહીદના પિતા એટલા ગુસ્સે થઇ ગયા હતા કે તેમણે સ્કૂલના ટીચર સામે અદાલતમાં કેસ કરવાની પણ ધમકી આપી હતી. તેઓ વકીલને લઇને સ્કૂલમાં આવ્યા હતા. તે વખતે પ્રિન્સિપાલે દરમિયાનગીરી કરીને તેમને શાંત પાડયા હતા. શાહીદ જયારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે ટીચરોને ગિફટ આપીને સજામાંથી છટકી જતો હતો. આ કળા તેને રાજકારણીઓ સાથે કામ પાડવામાં મદદરૃપ બની હતી. શાહીદના મિત્રો કહે છે કે તેનું મગજ બહુ સાર્પ છે. તે કોઇ પણ સવાલના ફટાફટ જવાબો આપી શકે છે. કરોડોની ગણતરી તે કેલ્કયુલેટરની મદદ વિના આંગળીના વેઢાની મદદથી કરી શકે છે.
શરદ પવારને જયારે પૂછવામાં આવ્યું કે શાહીદ બલવા સાથે તમારે શું સંબંધ છે ? ત્યારે તેમણે આ વાતને હસી કાઢતા કહ્યું હતું કે 'અખબારી હેવાલો મુજબ શાહીદની ઉંમર ૩૨ વર્ષની છે અને મારી ઉંમર ૭૦ વર્ષની છે. મારે તેની સાથે શું સંબંધ હોઇ શકે ?' શરદ પવારે એ વાત ન કરી કે શાહીદ બલવાના ભાગીદાર વિનોદ ગોયેન્કાના પરિવાર સાથે શરદ પવારને ૪૦ વર્ષ જૂના સંબંધો છે. શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ પટેલને જયારે વિનોદ ગોયેન્કાના પવારના પરિવાર સાથેના સંબધો બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કબુલ કર્યું કે શરદ પવાર વિનોદ ગોયેન્કાના પિતાના સ્થાને છે. હકીકતમાં બારામતીની ડાયનામિકસ ડેરીમાં વિનોદ ગોયેન્કા સાથે શરદ પવારની પણ ભાગીદારી હોવાનું કહેવાતું હતું. હવે તેમણે આ ડેરી અમેરિકાની એક કંપનીને વેચી કાઢી છે.
શાહીદ બલવાની કંપની ઉપર શરદ પવારના ચાર હાથ છે તેનો ખ્યાલ કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં એર-ઇન્ડિયાની માલિકીની સેન્ટોર હોટેલના સોદા ઉપરથી ખ્યાલ આવે છે. શ્રીનગરમાં વિશ્વવિખ્યાત દાલ સરોવરના કિનારા ઉપર જ સેન્ટોર હોટેલ આવેલી છે. આ હોટેલની તમામ ૨૫૧ રૃમો દાલ સરોવરની સામે આવેલી છે. પ્રફુલ પટેલ જયારે કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન હતા ત્યારે તેમણે ડીબી ગુ્રપ સાથે વર્ષે માત્ર એક કરોડ રૃપિયાના ભાડાંમાં આ હોટેલનો ૩૩ વર્ષ માટે સોદો કરી નાંખ્યો હતો. આ હોટેલની માલિકી એર-ઇન્ડિયાની પેટા કંપની હોટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની છે અને જમ્મુ-કાશ્મીરની સરકાર પણ તેમાં ભાગીદાર છે. પ્રફુલ પટેલે એર-ઇન્ડિયાને કે જમ્મુ-કાશ્મીરની સરકારને પણ વિશ્વાસમાં લીધા વિના આ સોદો કરી નાંખ્યો હતો. ૨-જી કૌભાંડમાં ડીબી જૂથની સંડોવણી બહાર આવ્યા પછી પ્રફુલ પટેલના સ્થાને નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન બનેલા વ્યાલર રવીએ આ સોદો ફોક કરવાનો ઓર્ડર કર્યો છે. પોતાની માત્ર ૧૦ વર્ષની ધંધાકીય કારકિર્દીમાં અબજો રૃપિયાના સામ્રાજ્યના માલિક બનનાર શાહીદ બલવાની કથા બોલિવૂડની કોઈ ફિલ્મની કહાણી જેવી છે. શાહીદ બલવાને વિમાનો ઉડાડવાનો ભારે શોખ છે. શાહીદે પોતાના વતનના ગામ પિરોઝપુરામાં આલિશાન મહેલ જેવો બંગલો બનાવ્યો છે. આ બંગલામાં ક્રિકેટનું મેદાન છે અને એર-કન્ડીશન્ડ પેવેલિયન પણ છે. શાહીદે પોતાના વ્યકિતગત ઉપયોગ માટે ગામમાં હેલિપેડ પણ બંધાવ્યું છે. તે હેલિકોપ્ટરમાં બેસીને પોતાના જૂના મિત્રો સાથે ક્રિકેટ રમવા આવે છે. આ ગામમાં શાહીદના પરિવાર તરફથી એક ધર્માદા હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે, જેમાં ગરીબોને મફતમાં દવા આપવામાં આવે છે. આ ગામમાં શાહીદનો પરિવાર અંગ્રેજી માધ્યમની એક સ્કૂલ પણ ચલાવે છે, જેમાં ૮૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. રાજકારણીઓ અને અન્ડરવર્લ્ડ સાથે સાંઠગાંઠ સાધીને કઇ રીતે ટૂંકા ગાળામાં અબજોપતિ બની શકાય તેની વિદ્યામાં શાહીદે માસ્ટરી મેળવી લીધી છે.
-સંજય વોરા 

No comments:

Post a Comment