માંસાહારના શોખીનોને મટન અને ચિકન ખાઈને સંતોષ ન થતો હોય તેમ તેમણે કતલ કર
વા માટે ઓસ્ટ્રેલિયાથી એમુ પક્ષીની આયાત કરીને તેનો ઉછેર કરવા માંડયો છે. ભારતમાં એમુ પક્ષીનો ઉછેર કરીને તેની કતલ કરવાનો પ્રારંભ ઈ.સ. ૧૯૯૬માં થયો હતો. આજની તારીખમાં ભારતમાં એમુ પક્ષીનાં ૧,૦૦૦થી વધુ ફાર્મ કમ કતલખાનાંઓ ચાલી રહ્યાં છે. મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં પોલ્ટ્રી ફાર્મની જેમ એમુ ફાર્મ ખૂલવા લાગ્યા છે, જેમાં કતલના હેતુથી આ વિલક્ષણ પક્ષીનો ઉછેર કરવામાં આવે છે. હવે ગુજરાતના અનેક ખેડૂતો પણ નફાની લાલચમાં એમુ પક્ષીનો કતલ માટે ઉછેર કરવા લાગ્યા છે. પોલ્ટ્રી ફાર્મના ધંધામાં મરઘાઓ ઉપર જે રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે તેના કરતાં પણ વધુ અત્યાચાર આ વિદેશી પક્ષી ઉપર ફાર્મમાં ગુજારાય છે. એમુ પક્ષી પણ શાહમૃગની જેમ વન્ય પક્ષી છે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા ઉપર જે રીતે પ્રતિબંધ છે તેવી રીતે ઓસ્ટ્રેલિયાના એમુ પક્ષીની હત્યા ઉપર પણ પ્રતિબંધ મૂકવાની માંગણી ઊઠી છે.
એમુ પક્ષીના માંસનો પ્રચાર આરોગ્યવર્ધક માંસ તરીકે કરવામાં આવી રહ્યો છે, જે સફેદ જૂઠ છે. એમુ પક્ષીના ૧૦૦ ગ્રામ માંસમાં ૩૦-૪૦ ગ્રામ ચરબી હોય છે, જે કોલેસ્ટરોલ પેદા કરી શકે છે. વળી એમુ પક્ષીમાં એન્સેફિલેટીસ નામનો રોગ થાય છે, જેનાથી પક્ષીઓને બચાવવા તેમને એન્ટીબાયોટીક દવાઓ આપવામાં આવે છે. આ ઝેરી દવાઓ એમુના માંસમાં પણ પ્રવેશી જાય છે. એમુ પક્ષીની જ્યારે કતલ કરવામાં આવે છે ત્યારે તેની ચરબીમાંથી એમુ ઓઈલ નામનું તેલ બનાવવામાં આવે છે. આ તેલમાં ઓલિક એસિડ નામનો પદાર્થ હોય છે, જે દર્દશામક દવાનું કામ કરે છે, એવો દાવો કરવામાં આવે છે. વળી એમુ પક્ષીના ચામડાંમાંથી હેન્ડબેગ અને ફેન્સી ફેશન એક્સેસરીઝ પણ બનાવવામાં આવે છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં જે હેન્ડીક્રાફ્ટનો મેળો યોજાયો હતો તેમાં એમુના ચામડામાંથી બનાવેલી ચીજવસ્તુઓનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર હસ્તકની સેન્ટ્રલ વેધર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ નામની સંસ્થા એમુ પક્ષીના ચામડાં ઉપર સંશોધન કરી રહી છે. આ બધાને પરિણામે આપણા દેશમાં એમુ પક્ષીની કતલ વધશે તે નક્કી છે.
તામિલનાડુના ઈરોડ જિલ્લામાં આવેલા એક ગામના ફાર્મમાં ૧૫૦ એમુ પક્ષીનો ઉછેર કરવામાં આવે છે. આ ફાર્મના માલિક પોતાના ઘરે પણ એમુ પક્ષીનું માંસ રાંધીને ખાય છે. એમુ પક્ષીની ઊંચાઈ પાંચથી છ ફૂટના માણસ જેટલી હોય છે અને તેનું વજન ૫૦ થી ૬૫ કિલોગ્રામ જેટલું થાય છે. તામિલનાડુના ખેડૂતો શા માટે ડાંગર અને મગની ખેતી છોડીને એમુના ઉછેર પાછળ પડયા છે, તેનું કારણ પણ ચોંકાવનારું છે. ઈરોડની નજીક આવેલા તિરુપુરમાં ટેક્સટાઈલ્સનો ઉદ્યોગ ખૂબજ વિકસ્યો હોવાથી આ વિસ્તારના મોટાભાગના મજૂરો નોકરીની શોધમાં તિરુપુર જતાં રહ્યાં છે, જેને કારણે ખેતરોમાં કામ કરનારા મજૂરોની અછત ઊભી થઈ છે અને મજૂરીના ભાવો પણ ખૂબ વધી ગયા છે. આ કારણે તામિલનાડુના આ ભાગમાં ખેતી એ ખોટનો ધંધો બની ગયો હોવાથી આશરે ૨૦૦ ખેડૂતો ખેતીનો ધંધો છોડીને એમુ પક્ષીનો ઉછેર કરવાના હિંસક વ્યવસાયમાં પડી ગયા છે.
તામિલનાડુના અનેક ખેડૂતોએ ખેતીનો ધંધો છોડી દેવા એક્વાકલ્ચરનો ધંધો પણ કરી જોયો. એક્વાકલ્ચરમાં ખેતરની અંદર તળાવ બનાવીને તેમાં ઝિંગા માછલીનો ઉછેર કરવામાં આવે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. આ ધંધો દરિયાકિનારે આવેલી જમીનમાં વધુ સહેલાઈથી કરી શકાય છે અને સરકાર તેના માટે લોન પણ આપે છે. તામિલનાડુમાં જેટલા ખેડૂતોએ ઝિંગા માછલીનો ઉછેર કર્યો તેઓ પણ ખોટના ખાડામાં ઊતરી ગયા છે, કારણ કે આ હિંસક પ્રવૃત્તિમાં જેટલું રોકાણ કરવામાં આવે છે, તેટલા પ્રમાણમાં વળતર મળતું નથી. ઈરોડ જિલ્લાના ખેડૂત રંગાસ્વામીને લાગ્યું કે તે ખેતરમાં જે અનાજ પકવે છે, તેના યોગ્ય ટેકાના ભાવ સરકાર તરફથી ચૂકવવામાં આવતા નથી. આ કારણે તેણે પોતાની જમીન ઉપર ૨૨ લાખ રૃપિયાનો ખર્ચ કરીને ઝિંગા માછલીનો ઉછેર શરૃ કર્યો. તેમાં નુકસાન જવાથી રંગાસ્વામી હવે એમુના ઉછેર તરફ વળ્યો છે.
રંગાસ્વામીએ ૧૦,૦૦૦ રૃપિયામાં એમુ પક્ષીની એક જોડી ખરીદીને પોતાના ખેતરમાં ઓસ્ટ્રેલિયાના આ પક્ષીનો ઉછેર શરૃ કર્યો હતો. અત્યારે તેની પાસે ૧૫૦ એમુ પક્ષીઓ નવ વર્ષમાં થઈ ગયા છે. રંગાસ્વામી અત્યારે એમુ પક્ષીનો ઉછેર કરીને તેનાં બચ્ચાં એમુ ફાર્મ ચલાવતા ખેડૂતોને વેચવાનો ધંધો કરે છે. એમુ પક્ષીના ઇંડાને ફળાવવા માટે તેને ઈન્ક્યુબેટરમાં ગરમી આપવી પડે છે. આ રીતે ગરમી આપ્યા પછી ૫૨ દિવસે ઇંડામાંથી બચ્ચાં બહાર આવે છે. રંગાસ્વામીના ફાર્મમાં આવાં ૧,૨૦૦ ઇંડાઓનો એકસાથે ઉઠેર થઈ રહ્યો છે. ઇંડામાંથી જ્યારે બચ્ચું બહાર આવે ત્યારે એક બચ્ચું આશરે ૫,૦૦૦ રૃપિયામાં વેચાય છે. ત્રણ મહિનાની ઉંમરના એમુ પક્ષીની એક જોડીની કિંમત ૧૫,૦૦૦ રૃપિયા જેટલી ઉપજે છે. ખેડૂતો આ જોડી લઈ જાય છે અને તેનો ઈંડાં માટે ઉછેર કરે છે. એમુ પક્ષી જ્યારે બે વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે ઈંડાં મૂકતું થઈ જાય છે. અત્યારે બજારમાં એમુ પક્ષીનું માંસ છૂટથી મળતું નથી પણ તેનાં ઇંડાં જ વેચાય છે. એમુ પક્ષીની કતલ કરીને તેનાં માંસનું વેચાણ કરવું હોય તો તેના માટે ઘણા બધા ખેડૂતોએ સાથે મળવું પડે અને કતલખાનાંની સ્થાપના કરવી પડે. તામિલનાડુના ખેડૂતો સરકારની સહાયથી આ પ્રકારની યોજના પણ ઘડી રહ્યા છે.
ભારતની સરકારની નીતિ એવી છે કે ખેડૂતોને ખેતીમાં રસ જણાય નહીં અને તેમને પોતાની જમીન વેચીને શહેરોમાં ચાલ્યા જવાની ફરજ પડે. જે ખેડૂતો પોતાની જમીન છોડીને જવા ન માંગતા હોય તેમને મચ્છીમારી કે પોલ્ટ્રી ફાર્મના હિંસક ધંધા માટે સરકાર તરફથી તમામ સહાય કરવામાં આવે છે. કોઈ ખેડૂત દૂધ માટે ગાયનો ઉછેર કરવા માંગતો હોય તો તેને લોન આપવામાં આવતી નથી પણ માછલાં પકડવાની હોડી ખરીદવા માટે લોન આપવામાં આવે છે અને ડિઝલમાં સબસિડી પણ આપવામાં આવે છે. તામિલનાડુના વેટરનરી ડોક્ટર એન. રામમૂર્તિ એમુ પક્ષીનો અભ્યાસ કરવા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન પણ જઈ આવ્યા છે. આ ડોક્ટર તામિલનાડુમાં એમુ પક્ષીનો ઉછેર અને કતલ કેવી રીતે કરવા તે બાબતમાં ખેડૂતોને માર્ગદર્શન આપે છે. આ ડોક્ટર ખેડૂતને કસાઈ બનાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.
ભારતનું સૌથી મોટું એમુ ફાર્મ આંધ્ર પ્રદેશનું ટુની નજીક આવેલું છે. આ ફાર્મની માલિકી ફ્લાઈટલેસ બર્ડ ઈન્ડિયા નામની કંપનીની છે અને તેમાં ૨૦,૦૦૦ એમુ પક્ષીઓ જોવા મળે છે. ૬૦ એકર જમીન ઉપર પથરાયેલા આ ફાર્મની સ્થાપના આજથી ૧૦ વર્ષ અગાઉ કરવામાં આવી હતી. આખા ભારતના કોઈપણ ખેડૂતને મોટી સંખ્યામાં એમુ પક્ષીઓ ખરીદવા હોય તો તેઓ અહીં આવે છે. એમુ પક્ષીનું માંસ લાલ રંગનું હોય છે અને કહેવાય છે કે તેમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ માંસમાં લાલ માંસની દુર્ગંધ આવે છે પણ તેની અમુક ખાસિયતો સફેદ માંસ જેવી હોય છે. અત્યારે એમુ પક્ષીનું માંસ બજારમાં ૩૦૦ થી ૩૭૫ રૃપિયે કિલોના ભાવે વેચાય છે. કતલના નિષ્ણાતો કહે છે કે જો દેશભરમાં એમુ પક્ષીની સામૂહિક કતલ માટે કારખાનાંઓની સ્થાપના કરવામાં આવે તો તેમનું માંસ ૨૦૦ રૃપિયો કિલોના ભાવે પણ વેચી શકાય તેમ છે. આ માટે સરકારને વિનંતી કરવામાં આવી છે.
એમુ પક્ષીનું શરીર ખૂબ ખડતલ હોય છે અને તે વિપરીત આબોહવામાં પણ જીવી શકે છે. આ કારણે જ ઓસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકા અને ચીન જેવા દેશોમાં પણ એમુનો ઉછેર કરવામાં આવે છે. એમુ પક્ષીના ખોરાકની કિંમત એક કિલોના ૧૨ રૃપિયા જેવી હોય છે. એક વર્ષમાં તેને આશરે ૩,૦૦૦ રૃપિયાનો ખોરાક ખવડાવવામાં આવે છે. એમુ પક્ષી ખોરાક ઓછો ખાય છે પણ તેનું વજન વધુ હોય છે. એમુ પક્ષીના એક કિલો માંસની કિંમત ૩૦૦ રૃપિયા ગણીએ તો પણ એક પક્ષીની કતલ કરવાથી આશરે ૧૫,૦૦૦ રૃપિયાની કિંમતનું માંસ પ્રાપ્ત થાય છે. એમુ પક્ષીનો ઉછેર કરતાં ખેડૂતો હવે સંગઠિત બનીને હોટેલોમાં અને ઘરોમાં એમુની વાનગીઓ લોકપ્રિય બને એ માટે પ્રચાર કરી રહ્યા છે, જેથી તેમના નફામાં પણ વૃદ્ધિ થાય. આ લોકો એમુના માંસના ભયસ્થાનો બાબતમાં લોકોને અંધારામાં રાખે છે.
એકબાજુ આપણા દેશમાં અનાજની અભૂતપૂર્વ અછત પેદા થઈ છે, જેને કારણે દર વર્ષે લાખો ટન અનાજની વિદેશોમાંથી આયાત કરવી પડે છે. ઓસ્ટ્રેલિયાના ઢોર પણ ન ખાય તેવા સડેલા ઘઉં આપણા દેશની પ્રજાએ ખાવા પડે છે. બીજી બાજુ સેઝના નામે લાખો એકર ખેતીની ફળદ્રુપ જમીન કિસાનો પાસેથી બળજબરીથી આંચકીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે.
ત્રીજી બાજુ બિયારણના ક્ષેત્રમાં મલ્ટીનેશનલ કંપનીઓને ખેડૂતોને લૂંટવાનું લાઈસન્સ આપી દેવામાં આવ્યું છે, જેને કારણે કિસાનોના આપઘાતની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આ સંયોગોમાં રહ્યાસહ્યા ખેડૂતોને પણ ખેતી છોડાવી ઝિંગા માછલીનો કે એમુ પક્ષીનો ઉછેર કરવાનું જે પ્રોત્સાહન સરકાર તરફથી મળે છે તેને કારણે એક વખતનો ખેતીપ્રધાન દેશ હિંસાપ્રધાન બની જશે તે નક્કી છે. આ હિંસાથી નથી કિસાનોનું કલ્યાણ થવાનું અને નથી પ્રજાનું કોઈ ભલું થવાનું. જે દિવસે આ વિદેશી પક્ષીઓ કોઈ રોગને કારણે ટપોટપ મરવા લાગશે ત્યારે હજારો ખેડૂતો માથે હાથ દઈને રડશે કે આપઘાત કરશે. જગતના તાતને કસાઈ બનાવવાની સરકારની આ પ્રવૃત્તિ બંધ થવી જ જોઈએ.
No comments:
Post a Comment