Monday, February 28, 2011

શાહીદ બલવા સીબીઆઇ સમક્ષ ચમરબંધીઓની પોલ ખોલી રહ્યા છે


ટેલિકોમ કૌભાંડમાં દેશના તમામ ટોચના ઉદ્યોગપતિઓની સંડોવણીની સનસનાટીભરી વિગતો શાહીદ બલવાની પૂછપરછમાં બહાર આવી છે

ટેલિકોમ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇ માટે ડી. બી. રિયાલ્ટી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શાહિદ બલવા સોનાના ઇંડા આપતી મુરઘી સમાન સાબિત થઈ રહ્યા છે. ફોર્બ્સ મેગેઝિન દ્વારા ભારતના ૬૬ નંબરના સૌથી શ્રીમંત ઠરાવાયેલા શાહીદ બલવા અત્યારે નવી દિલ્હીમાં સીબીઆઇના ઇર્સ્ટન બ્લોક તરીકે ઓળખાતા હેડક્વાટર્સમાં મોંઘેરા મહેમાન છે. તેઓ સીબીઆઇની કસ્ટડીમાં પણ ચુસ્ત રહી શકે તે માટે તેમને દરરોજ સવારે અને સાંજે સીબીઆઇના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં ત્રણ- ત્રણ કિલોમીટર જોગીંગ કરવાની છૂટ આપવામાં આવી છે. શાહિદના પિતા ઉસ્માન બલવા તેમના માટે દરરોજ મુંબઈમાં તેમની માલિકીની ફાઇવસ્ટાર હોટલનું ખાણું મોકલે છે તે વાપરવાની પણ સીબીઆઇ દ્વારા છૂટ આપવામાં આવી છે. આ છૂટને કારણે આઠ દિવસની પૂછપરછ દરમિયાન શાહીદ બલવાએ સીબીઆઇને જે માહિતી આપી છે તેને કારણે દેશના મોટા રાજકારણીઓની અને ઉદ્યોગપતિઓની પોલ ખૂલી જાય તેમ છે.
સીબીઆઇના અધિકારીઓ દ્વારા શાહીદ બલવાને એક સવાલ ફરી ફરીને પૂછવામાં આવ્યો હતો કે, 'તમો કયા મહત્ત્વના રાજકારણીને જાણો છો ?' બલવાનો એક જ જવાબ નક્કી હતો કે તેઓ કોઈ રાજકારણીને ઓળખતા નથી. બલવાના અસહકારથી અકળાયેલા સીબીઆઇના અધિકારીએ તેમને ધમકી આપી હતી કે, તમારા માટે જે ફાઇવસ્ટાર હોટેલનું ખાણું આવે છ તે અમે ખાઈ જશું. સીબીઆઇના ઓફિસરોએ તેમને યાદદાસ્ત ઢંઢોળવાનું કહ્યું હતું અને પૂછ્યું હતું કે, 'તમારા પાર્ટનર વિનોદ ગોયન્કા કોલા કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને લઈને મહારાષ્ટ્રના કયા વરિષ્ઠ રાજકારણીને ખાનગીમાં મળ્યા હતા ?' સીબીઆઇની આખરી તાવણીના કારણે શાહીદ બલવા ઢીલા પડયા હતા અને પૂછપરછ કરનારાઓને સહકાર આપવા લાગ્યા હતા. તેમણે તરત જ કબૂલ કરી લીધું હતું કે મહારાષ્ટ્રના અનેક રાજકારણીઓ સાથે તેમને ઘરોબો છે અને તેમના પ્રોજેક્ટો ક્લિયર કરાવવા માટે કયા સરકારી અધિકારીનો કેવી રીતે સંપર્ક સાધવો તેની ટીપ તેમને આ રાજકારણીઓ દ્વારા જ આપવામાં આવે છે.
ભારતના ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાએ જે ૧.૭૬ લાખ કરોડ રૃપિયાનું ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ આચર્યું તેમાં શાહીદ બલવાએ ચાવીરૃપ ભૂમિકા ભજવી હતી. શાહીદ બલવાની સ્વાન ટેલિકોમ નામની નવીસવી કંપનીને ભારતના ૧૩ સર્કલમાં મોબાઇલ ફોનની સેવાઓ આપવાનું લાયસન્સ આશરે ૧,૫૦૦ કરોડ રૃપિયામાં મળ્યું હતું. આ લાઇસન્સ સાથે આખી કંપની જ તેમણે દુબઈના એટિસલાટ જૂથને ૪,૨૦૦ કરોડ રૃપિયામાં વેચીને નફો ગાંઠે બાંધી લીધો હતો. શાહીદ બલવાની કંપની દ્વારા જ તમિલનાડુના મુખ્યપ્રધાન કરુણાનિધિના પરિવારના કલાઇગનાર ટીવીને ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ આપવામાં આવી હતી. જો કે શાહીદ બલવા હજી એમ જ કહે છે કે, આ ૨૧૪ કરોડ રૃપિયા એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તેમણે તેના ઉપર ૩૧ કરોડ રૃપિયાનો ટેક્સ પણ ભર્યો છે.
સીબીઆઇના હાથમાં એક માહિતી એવી આવી ગઈ હતી કે જેને કારણે શાહીદ બલવા ક્લિન બોલ્ડ થઈ ગયા હતા. તેમની કંપની ડી.બી. રિયાલ્ટીમાં સાયપ્રસમાં નોંધાયેલી બે કંપનીઓ દ્વારા ૫૨૩ કરોડ રૃપિયાનું રોકાણ કન્વર્ટિબલ ડીબેન્ચર્સના રૃપમાં કરવામાં આવ્યું હતું. આ ડીબેન્ચર્સનું શેરદીઠ ૫,૫૯૦ રૃપિયા જેવું પ્રિમિયમ વસૂલી શેરમાં રૃપાંતર કરવામાં આવ્યું હતું. સીબીઆઇ પાસે સાયપ્રસની કંપનીઓ દ્વારા શાહીદ બલવાની કંપનીઓમાં કરવામાં આવેલા અબજો રૃપિયાના રોકાણના દસ્તાવેજી પુરાવાઓ હતા. આ બે ંકંપનીઓ પૈકી ગીથમ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની ભેદી છે અને તે ભારતના કોઈ ઉદ્યોગગૃહ સાથે સંકળાયેલી હોવાનું પણ માનવામાં આવે છે. સીબીઆઇએ હવે સાયપ્રસમાં આ કંપનીઓની માલિકી બાબતમાં તપાસ કરવા માંડી છે. આ માટે સાયપ્રસના સત્તાવાળાઓને વિનંતી પત્ર મોકલી દેવામાં આવ્યો છે. સાયપ્રસથી આવનારી વિગતો કોઈ મોટા માથાની પોલ ખોલશે એમ માનવામાં આવે છે.
સીબીઆઇ દ્વારા શાહીદ બલવાની કરવામાં આવેલી પૂછપરછને કારણે અનિલ અંબાણીની ચિંતા વધી ગઈ છે. શાહીદ બલવાની સ્વાન ટેલિકોમ કંપનીમાં અનિલ અંબાણી જૂથની કંપનીઓ દ્વારા ૧૦ ટકા ઇક્વિટી ખરીદવામાં આવી હતી. સીબીઆઇને શંકા છે કે અનિલ અંબાણીએ સ્વાન ટેલિકોમ કંપનીમાં આશરે ૧,૦૦૦ કરોડ રૃપિયાનું બેનામી રોકાણ પણ કર્યું હતું. ઇ.સ. ૨૦૦૮ના જાન્યુઆરી મહિનામાં સ્વાન ટેલિકોમને ૧૩ સર્કલમાં લાઇસન્સ મળ્યું તે અગાઉ અનિલ અંબાણી જૂથની કંપનીએ પોતાનો હિસ્સો મોરેશિયસની ડેલ્ફી નામની કંપનીને વેચી માર્યો હતો. આ ડેલ્ફી નામની કંપની પણ ભેદી કંપની છે. સીબીઆઇને શંકા છે કે આ કંપનીની માલિકી ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાની અથવા એમના કોઈ સગાવહાલાની છે. એ. રાજાએ રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન કંપનીને યુનિફાઇડ લાઇસન્સ આપીને જે ફાયદો કરાવી આપ્યો તેના બદલામાં સ્વાન ટેલિકોમ કંપનીની માલિકી બાબતમાં વિગતો માંગતો પત્ર લેટર રોગેટરી મોકલી આપ્યો છે.
ટેલિકોમ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું મનાતા ભારતના ટોચના ઉદ્યોગપતિઓની પૂછપરછનો સિલસિલો અનિલ અંબાણીની પૂછપરછથી શરુ થયો છે. અનિલ અંબાણીને ૧૬મી ફેબુ્રઆરીએ સીબીઆઇની નવી દિલ્હી ખાતેની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતાઅને શાહીદ બાલવા ઉપરાંત એ. રાજાની હાજરીમાં તેમની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હવે રતન ટાટા, કુમાર મંગલમ બિરલા, વેણુગોપાલ ધૂત, સુનિલ મિત્તલ અને રૃઇયા બ્રધર્સનો વારો છે. આ બધા ઉદ્યોગ ગૃહોની ટેલિકોમ કંપનીઓ છે અને તમામને ટેલિકોમ કૌભાંડમાં ફાયદો થયો છે. આ બધા ઉદ્યોગપતિઓની પોલ ખોલવા માટે સીબીઆઇ ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન અરૃણ શૌરિને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઇ ટોચના ઉદ્યોગપતિઓની પૂછપરછ કોઈ ખાનગી જગ્યાએ કરવાની છે, જેથી બહુ ઉહાપોહ ન થાય, સીબીઆઇના આ પૂછપરછ અભિયાનના કારણ ચમરબંધીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.
ટેલિકોમ કૌભાંડમાં ટાટા જૂથનું નામ પણ સંડોવાયેલું છે. રિલાયન્સની જેમ ટાટા ટેલિસર્વિસીસ નામની કંપનીએ પણ યુનિફાઇડ લાઇસન્સ માગ્યુ હતું અને એ. રાજાએ નીરા રાડિયાના પ્રભાવમાં આવીને આ લાઇસન્સ આપ્યું હતું. આ બાબતમાં નીરા રાડિયાનો રતન ટાટા સાથેનો વાર્તાલાપ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. હવે સીબીઆઇના હાથમાં ટેલિકોમ કૌભાંડમાં ટાટા જૂથની અન્ય પ્રકારે સંડોવણી હોવાના પુરાવાઓ પણ આવ્યા છે. યુનિટેક નામની કંપનીએ દેશના ૨૨ સર્કલમાં ૨-જી મોબાઇલ સેવાઓ શરુ કરવા માટે લાઇસન્સ માગ્યુ હતુ. તેને આ લાઇસન્સ માત્ર ૧,૬૫૮ કરોડમાં મળ્યું હતું. યુનિટેકે લાઇસન્સ મળ્યા પછી પોતાની કંપનીના ૬૦ ટકા શેરો નોર્વેની ટેલેનોર નામની કંપનીને ૬,૧૦૦ કરોડ રૃપિયામાં વેચી માર્યા હતા. હવે સીબીઆઇની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ટાટા જૂથની કંપની ટાટા રિયાલ્ટી દ્વારા યુનિટેકને ૧,૬૦૦ કરોડ રૃપિયાની લોન આપવામાં આવી હતી. સીબીઆઇને શંકા છે કે આ લોન ૨-જી સ્પેક્ટ્રમ ખરીદવા માટે જ આપવામાં આવી હતી અને યુનિટેક ટાટા જૂથની ફ્રન્ટ કંપની છે. આ વાત બહાર આવતા જ સીબીઆઇએ યુનિટેકના અધ્યક્ષ સંજય ચંદ્રાની અને હવે ટાટા રિયાલ્ટીના અધ્યક્ષ કૃષ્ણકુમારની પણ પૂછપરછ કરી છે.
સીબીઆઇને શંકા છે કે સ્વાન ટેલિકોમ રિલાયન્સ જૂથની ડમી કંપની હતી તેમ યુનિટેક ટાટા જૂથની ડમી કંપની હતી. રિલાયન્સે જેમ સ્વાન ટેલિકોમને લોન આપી હતી. તેમ ટાટાએ યુનિટેકને લાયસન્સ મેળવવા લોન આપી હતી. આ બંને કંપનીઓએ લાઇસન્સ મળ્યા પછી પોતાની કંપનીઓના બહુમતી શેરો વિદેશી કંપનીઓને વેચી માર્યા હતા. આ બે કંપનીઓને કારણે જ દેશની તિજોરીને ૭,૧૦૫ કરોડ રૃપિયાનું ચોખ્ખું નુકસાન થયું હતું. તેવી જ રીતે લૂપ નામની કંપનીને ૨-જી સ્પેક્ટ્રમનું લાઇસન્સ મળ્યું છે. આ લૂપ કંપની રૃઈયાના એસ્સાર જૂથની ફ્રન્ટ કંપની હોવાનું માનવામાં આવે છે. વિડિયોકોન કંપનીએ ડેટાકોમ સોલ્યુશન્સ નામની ફ્રન્ટ કંપની દ્વારા ૨-જી સ્પેક્ટ્રમનું લાઇસન્સ મેળવ્યું હોવાનું માનવામાં આવે છે.
બિરલા જૂથની આઇડિયા કંપનીએ પણ મુંબઈ સર્કલમાં લાઇસન્સ મેળવવા માટે એ. રાજાને લાંચ આપી હોવાની શંકા સીબીઆઇને છે. સુનિલ મિત્તલ જૂથની ભારતી એરટેલ કંપનીને પણ એનડીએના રાજમાં વધારાનું સ્પેક્ટ્રમ ખોટી રીતે ફાળવવામાં આવ્યું હોવાની સીબીઆઇને શંકા છે. કોલસાની દલાલીમાં હાથ કાળા થયા વિના નથી રહેતા તેવી રીતે ટેલિકોમના ધંધામાં કોઈ કામ લાંચ આપ્યા વિના થતું નહોતું. આ લાંચ કૌભાંડમાં દેશના તમામ મોટા ઉદ્યોગ ગૃહો ફસાઈ ગયા છે સીબીઆઇ હવે સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કેટલા કૌભાંડી ઉદ્યોગપતિઓને સજા કરાવી શકે છે તે જોવાનું રહેશે.
-સંજય વોરા 

No comments:

Post a Comment