Wednesday, April 6, 2011

6/4/11 અણુભઠ્ઠીઓની આયાતનું ૧૭૫ અબજ ડોલરનું કૌભાંડ આકાર લઈ રહ્યું છે


આપણી સરકાર ભારતના દરિયાકિનારે દર ૫૫ કિલોમીટરના અંતરે એક એવાં કુલ ૧૧૦ જૈતાપુર પ્રકારનાં અણુ ઊર્જા મથકો સ્થાપવા માંગે છે
ભારત કૌભાંડ પ્રધાન દેશ છે. બોફોર્સ કૌભાંડ ૬૪ કરોડ રૃપિયાનું હતું. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડનું કદ વધીને ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનું થઈ ગયું હતું. ૨-જી કૌભાંડ ૧.૭૬ લાખ કરોડ રૃપિયાનું ગણાવવામાં આવ્યું છે. આ બધાં કૌભાંડો થઈ ગયાં તે પછી પ્રજાને તેની જાણ થઈ હતી, પરંતુ આ બધા કૌભાંડોને ટપી જાય તેવું એક મહાકૌભાંડ વર્તમાનમાં આકાર ધારણ કરી રહ્યું છે. આ કૌભાંડ વિદેશમાંથી અણુભઠ્ઠીઓની આયાત કરવાનું કૌભાંડ છે. આપણા દેશમાં ઘરઆંગણે અણુભઠ્ઠીઓનું ઉત્પાદન સસ્તામાં કરી શકવાની આવડત છે. તેમ છતાં મલ્ટીનેશનલ કંપનીઓના દોરીસંચાર હેઠળ આગામી ૨૦ વર્ષમાં આશરે ૧૭૫ અબજ ડોલર (આશરે ૮ લાખ કરોડ રૃપિયા)ની અણુભઠ્ઠીઓની વિદેશમાંથી આયાત કરવામાં આવશે. આ કૌભાંડનો પ્રારંભ ફ્રેન્ચ કંપની અરેવા સાથે મહારાષ્ટ્રના જૈતાપુર ખાતે ૯.૩ અબજ ડોલરની અણુભઠ્ઠીઓની આયાતના કરારથી થઈ ગયો છે. આ કૌભાંડમાં હજી પાશેરામાં પહેલી પૂણીઓ મૂકાઈ રહી છે. જો આ બાબતમાં આપણી પ્રજા જાગૃત થાય અને વિરોધ કરે તો આ મહાકૌભાંડ અટકાવી શકાય તેવું છે.
ભારતમાં અત્યારે જેટલી પણ અણુભઠ્ઠીઓ કાર્યરત છે એ બધી હેવી વોટર રિએક્ટર પ્રકારની છે. આ પ્રકારની અણુભઠ્ઠીઓ આપણા વિજ્ઞાાનીઓ ઘરઆંગણે સસ્તામાં બનાવી શકે છે. ભારતમાં જો ેક મેગાવોટ ક્ષમતાનું પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટર બનાવવું હોય તો તેનો ખર્ચ આશરે આઠ કરોડ રૃપિયા આવે છે. તેને બદલે વિદેશમાંથી લાઈટ વોટર રિએક્ટરની આયાત કરવામાં આવે તો તેનો આશરે ત્રણ ઘણો ખર્ચ થાય છે. તેમ છતાં ભારતની સરકારે જૈતાપુરમાં ૧,૬૫૦ મેગાવોટની એક એવી છ અણુભઠ્ઠીઓની આયાત કરવાના કરાર ફ્રાન્સની કંપની સાથે કર્યા છે. આ એક જ કરારને કારણે ભારતને છ અબજ ડોલર (આશરે ૨૭,૦૦૦ કરોડ રૃપિયા)નું નુકસાન જવાની સંભાવના છે. જે કામ સ્વદેશી ટેકનોલેજી વડે આઠ કરોડ રૃપિયામાં થતું હોય તેની ૨૧ કરોડ રૃપિયામાં આયાત કરીને ખોટનો ધંધો કરવા જેટલા ભોટ આપણા રાજકારણીઓ નથી. આ રીતે વિદેશથી અણુભઠ્ઠીઓની આયાત કરનારા રાજકારણીઓના સ્વીસ બેન્કોના એકાઉન્ટમાં કેટલા ડોલર મલ્ટીનેશનલ કંપનીઓ જમા કરાવતી હશે તેની તો આપણે કલ્પના જ કરવી રહી.
અમેરિકા સાથે ભારતે અણુકરાર કર્યા તે પછી ભારત સાથે અણુભઠ્ઠીઓનો વેપાર કરવાના દરવાજા મલ્ટીનેશનલ કંપનીઓ માટે ખૂલી ગયા છે. ઈ.સ. ૧૯૭૯માં અમેરિકાના થ્રી માઈલ આઈલેન્ડના એટમિક પાવર પ્લાન્ટમાં અકસ્માત થયો તે પછી અમેરિકાએ પોતાના દેશમાં નવી અણુભઠ્ઠીઓના ઉત્પાદન ઉપર પાબંદી લગાવી દીધી હતી અને જૂની અણુભઠ્ઠીઓ પણ ક્રમે ક્રમે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે અણુભઠ્ઠીઓનું ઉત્પાદન કરતી અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ મૃતપ્રાયઃ અવસ્થામાં મૂકાઈ ગઈ હતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બુશે ભારત સાથે અણુકરાર કર્યા તે પછી આ મલ્ટીનેશનલ કંપનીઓમાં નવા પ્રાણનો સંચાર થયો છે, કારણ કે આગામી ૨૦ વર્ષમાં ભારત વિદેશમાંથી જેટલી પણ અણુભઠ્ઠીઓની આયાત કરવાનું છે તેમાં સિંહનો ફાળો અમેરિકાને મળવાનો છે. ભારત સરકારે આગામી ૨૦ વર્ષમાં કુલ ૪૦,૦૦૦ મેગાવોટ ક્ષમતાના લાઈટ વોટર રિએક્ટરની આયાત કરવાનું નક્કી કર્યું છે.
મહારાષ્ટ્રના જૈતાપુરમાં ફ્રાન્સની કંપની અરેવાને આપણે ૧,૬૫૦ મેગાવોટના એક એવા છ લાઈટ વોટર રિએક્ટર બાંધવાનો ઓર્ડર આપી દીધો છે. તેની સામે ભારતમાં અત્યારે ભારતની જ કંપનીઓ દ્વારા બાંધવામાં આવેલા ૧૭ પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટરો અસ્તિત્વમાં છે, જેની ક્ષમતા ૫૪૦ મેગાવોટની છે. આ ઉપરાંત ૭૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા બીજાં ચાર પ્રેસરાઈઝડ હેવી વોટર રિએક્ટરોનું બાંધકામ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી ચાલી રહ્યું છે. તેમ છતાં ભારત સરકારે જે ૪૦,૦૦૦ મેગાવોટ ક્ષમતાના રિએક્ટરોની વિદેશથી આયાત કરવાનો નિર્ણય કર્યો તેનો ભારતના અણુવિજ્ઞાાનીઓ જ વિરોધ કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ બાબતમાં ભારતની પ્રજાને અને સંસદને પણ અંધારામાં રાખવામાં આવી છે. મામૂલી બાબતોમાં સંસદની કાર્યવાહીને ખોરવી નાંખતા વિરોધ પક્ષો આ મહાકૌભાંડનો સંસદમાં વિરોધ કરવાની બાબતમાં કોઈ ભેદી કારણોસર મૌન સેવી રહ્યા છે.
આપણા દેશમાં જોખમી અને ખર્ચાળ ગણાતી અણુવીજળીના ઉત્પાદનને મંજૂરી આપવી જોઈએ કે નહીં તે એક મુદ્દો છે અને અણુવીજળીના ઉત્પાદન માટેની અણુભઠ્ઠીઓનું ઘરઆંગણે ઉત્પાદન કરવું જોઈએ કે તેની વિદેશથી આયાત કરવી જોઈએ કે નહીં તે અલગ મુદ્દો છે. પહેલા મુદ્દાની બાબતમાં તો સરકારે નિર્ણય કરી લીધો છે, પણ બીજો મુદ્દો હજી વિવાદાસ્પદ છે. ઈ.સ. ૨૦૦૪ની સાલ પહેલા ભારત સરકારની નીતિ અણુવીજળી માટે સ્વદેશી અણુભઠ્ઠીઓનું ઉત્પાદન કરવાની જ હતી. આ નીતિ મુજબ ઈ.સ. ૨૦૫૨ની સાલ સુધીમાં ૨,૦૮,૦૦૦ મેગાવોટ અણુવીજલીનું ઉત્પાદન સ્વદેશી ટેકનોલોજીથી કરવાની સરકારની યોજના હતી. આ માટે ભારતના દરિયાકાંઠે ૧,૦૦૦ મેગાવોટની ક્ષમતાના એક એવા ૨૦૮ અણુ ઉર્જા મથકો સ્વદેશી ટેકનોલોજીથી જ ઊભાં કરવાની સરકારની યોજના હતી. ઈ.સ. ૨૦૦૪માં અમેરિકા સાથે અણુકરારની પ્રક્રિયા શરૃ થઈ તેને પગલે આ નીતિનો ત્યાગ કરીને ભારતની સરકારે ૪૦,૦૦૦ મેગાવોટની ક્ષમતાની અણુભઠ્ઠીઓની વિદેશથી આયાત કરવાની યોજનાની રહસ્યમય રીતે જાહેરાત કરી દીધી હતી.
કોઈને થશે કે વિદેશથી અણુભઠ્ઠીઓની આયાત કરવાથી દેશને વધુ સારી ટેકનોલોજી મળવાની હશે અથવા આર્થિક ફાયદો થતો હશે, માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ધારણાઓ ખોટી છે. ફ્રાન્સની કંપની અરેવા સાથે આપણે જે લાઈટ વોટર રિએક્ટરની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે તે તદ્દન નવી ટેકનોલોજી છે અને હજી સુધી દુનિયાના કોઈ દેશમાં આ ટેકનોલોજીની સલામતી બાબતમાં ચકાસણી કરવામાં આવી નથી. હકીકતમાં ફ્રાન્સ આ નવી ટેકનોલોજીની ચકાસણી માટે આપણા દેશની પ્રજાનો ઉપયોગ પ્રયોગશાળાના પ્રાણીઓના રૃપમાં કરી રહ્યું છે. તેની સામે ભારતમાં પ્રેસરાઈઝડ હેવી વોટરની ટેકનોલોજીથી ૧૭ અણુભઠ્ઠીઓ ચાલી રહી છે. આ ટેકનોલોજી આપણા પોતાના વિજ્ઞાાનીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે અને તે ફ્રાન્સની કંપનીની ટેકનોલોજી કરતાં વધુ ચડિયાતી છે. આપણા હેવી વોટર રિએક્ટરોમાં પ્લુટોનિયમ ધાતુ વધુ પ્રમાણમાં પેદા થાય છે, જેનો ઉપયોગ આપણે અણુબોમ્બ બનાવવા માટે પણ કરી શકીએ છીએ. વળી આપણા વિજ્ઞાાનીઓ અને ઈજનેરો આ પ્રકારની અણુભઠ્ઠીઓના સંચાલનમાં પણ કેળવાયેલા છે. જો આપણે વિદેશથી અણુભઠ્ઠીઓની આયાત કરીએ તો તેના સંચાલન માટે વિદેશી ઈજનેરોની પણ આયાત કરવી પડે તેમ છે. આટલી સરળ અને સસ્તી સ્વદેશી ટેકનોલોજીને પડતી મૂકીને ભારતની સરકારે મોંઘી અને જટિલ વિદેશી ટેકનોલોજી પસંદ કરી છે.
ઈ.સ. ૨૦૦૪માં યુપીએ-૧ની સરકાર સત્તા ઉપર આવી ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહને જાળમાં ફસાવી અમેરિકાની સરકારે અને મલ્ટીનેશનલ કંપનીઓએ ભારતને અમેરિકન બનાવટની અણુભઠ્ઠીઓ વેચવાની યોજનાનો અમલ ચાલુ કરી દીધો હતો. ભારતના વિજ્ઞાાનીઓએ અને નેતાઓએ મળીને ઈ.સ. ૨૦૦૪ સુધી જે સ્વદેશી અણુભઠ્ઠીઓ બનાવવાની યોજનાનું ઘડતર કર્યું હતું તેને કચરા ટોપલીમાં પધરાવી દેવામાં આવી હતી. અમેરિકા સાથે અણુકરાર કરીને ભારતે પોતાનાં તમામ હેવી વોટર રિએક્ટરો ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીના નિરીક્ષણ હેઠળ મુકવાનું સ્વીકાર્યું હતું. આ કારણે અમેરિકન કંપનીઓ માટે ભારતમાં અણુભઠ્ઠીઓનો વેપાર કરવાના દરવાજાઓ ખૂલી ગયા હતા. ઈ.સ. ૨૦૦૭-૨૦૦૮ની સાલ સુધીમાં ભારતના વડાપ્રધાને પ્રજાને અને સંસદને અંધારામાં રાખીને અમેરિકાથી ૧૦,૦૦૦ મેગાવોટની ક્ષમતાની અણુભઠ્ઠીઓની આયાત કરવાનું લેખિત વચન અમેરિકાની સરકારને આપી દીધું હતું. આ અણુભઠ્ઠીઓની કિંમત આશરે ૨.૧ લાખ કરોડ રૃપિયા થતી હતી. ભારતના વડાપ્રધાને ફ્રાન્સની સરકારને પણ આવું વચન આપ્યું હોવાનું મનાય છે. આ બે સોદાઓ પાછળ જ દેશની તિજોરીના આશરે ૪ લાખ કરોડ રૃપિયાનો વ્યય થવાનો છે. જે વિદેશી કંપનીઓ પાસેથી આપણા નેતાઓ ૪ લાખ કરોડ રૃપિયાનો માલ ખરીદવાના હોય તેમને આ કંપનીઓ કેટલું કમિશન આપી શકે? આ કમિશન દેશની તિજોરીમાં જમા થશે કે આપણા નેતાઓના વિદેશી બેન્કનાં ખાતાંઓમાં? આ વિચાર પ્રજાએ કરવાનો છે.
ભારત સરકારની વર્તમાન નીતિ મુજબ ઈ.સ. ૨૦૫૦ની સાલ સુધીમાં આપણો દેશ ૬૫૫,૦૦૦ મેગાવોટ અણુવીજળીનું ઉત્પાદન કરતો હશે. તેનો અર્થ એ થયો કે ભારતમાં ઈ.સ. ૨૦૫૦ની સાલ સુધીમાં ૧,૦૦૦ મેગાવોટની ક્ષમતાના એક એવાં ૬૫૫ એટમિક રિએક્ટરો હશે. એક એટમિક પાવર સ્ટેશનમાં છ રિએક્ટરની સરેરાશ ગણીએ તો તે માટે ભારતમાં જૈતાપુર જેવાં ૧૧૦ અણુ ઉર્જા મથકો ઊભાં કરવામાં આવશે.
ભારતા દરિયાકિનારાની કુલ લંબાઈ જ આશરે ૬,૦૦૦ કિલોમીટર જેટલી છે. તેનો અર્થ એ થાય કે ભારતની સરકાર દરિયાકિનારે દર ૫૫ કિલોમીટરે એક અણુ ઉર્જા મથક ઊભું કરવામાં માંગે છે. પછી જો ભારતમાં સુનામી આવે અને આ અણુ ઉર્જા મથકોમાં ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટ જેવી દુર્ઘટના થાય તો આપણા બધાનું શું થાય? આપણી સરકાર આપણો આખો દેશ વિદેશીઓને ત્યાં ગિરવે મૂકી દે તે પહેલાં આપણે સૌએ જાગૃત થવાની જરૃર છે.

No comments:

Post a Comment