Monday, April 4, 2011

1/4/11 અણુ ઊર્જા મથકને કારણે ફુકુશિમાના બે લાખ લોકો બેઘર બની ગયા છે


ભારતના કોઈ અણુ ઊર્જા મથકમાં આવી દુર્ઘટના થાય તો આ પ્લાન્ટ બાંધનારી કંપની દુર્ઘટનાગ્રસ્તોને પર્યાપ્ત વળતર આપે તેવી કોઈ ગેરન્ટી નથી
જપાનના ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટને કારણે પેદા થયેલી કટોકટી હજી દૂર નથી થઈ. હજી પણ આ પ્લાન્ટમાં પ્રચંડ ધડાકો થાય અને ચેર્નોબિલમાં બન્યું હતું એમ રેડિયેશનનું વિરાટ વાદળું બહાર આવીને આખી દુનિયામાં છવાઈ જાય તેવું બની શકે છે. જપાનમાં ત્રણ અઠવાડિયા પહેલા ભૂકંપ અને સુનામી આવ્યા તેને પગલે ફુકુશિમા અણુ ઊર્જા મથકમાં કટોકટી ઉભી થઈ હતી. આ પ્લાન્ટનું સંચાલન કરી રહેલી ટોકિયો પાવર કોર્પોરેશન (ટેપકો) નામની આ કંપની વારંવાર સબ-સલામતની જાહેરાતો કર્યા કરે છે, પણ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીના હેવાલને પગલે 'ટેપકો'નાં જૂઠાણાઓ ખુલ્લા પડી ગયા છે. આ હેવાલ મુજબ ફુકુશિમા પ્લાન્ટની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા જે બે લાખ લોકો પોતાના ઘરબાર છોડીને ગયા છે તેમના માટે પાછા ફરવાની આશા ધુંધળી બની ગઈ છે.
મહારાષ્ટ્રમાં જૈતાપુર ખાતે ૯,૯૯૦ મેગાવોટ અને સૌરાષ્ટ્રમાં મીઠી વીરડી ખાતે ૮,૦૦૦ મેગાવોટની ક્ષમતના અણુ ઉર્જા મથકો ઊભા કરવાની યોજના સ્થાનિક રહેવાસીઓના વિરોધને અવગણીને પણ ચાલી રહી છે. આ બંને પ્લાન્ટ માટે કિસાનોની એક- એક હજાર હેક્ટર જમીનની જરૃર પડશે. આ જમીનો સરકાર અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા જમીન સંપાદનના કાયદાઓની મદદ લઈને બળજબરીથી ખાલી કરાવી રહી છે, જેની સામે કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. જૈતાપુર અને મીઠી વીરડીના આજુબાજુના વિસ્તારમાં રહેતી લાખોની વસતિએ કોઈ પણ દુર્ઘટના થાય તો ફુકુશિમાના રહેવાસીઓની જેમ બેઘર થવાની તૈયારી રાખવી પડશે. મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અણુ ઊર્જા મથકોનું સંચાલન કરનારા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્લાન્ટની સલામતીની ગેરન્ટી આપવામાં આવે છે તેવી ગેરન્ટી ટેપકો કંપની દ્વારા ફુકુશિમાની આજુબાજુ વસતા લોકોને પણ આપવામાં આવી હતી. આ બધી જ ગેરન્ટીઓ છેતરામણી સાબિત થઈ હતી એમ ફુકુશિમાની ૨૦ કિલોમીટરની ત્રિજયમાં વસતા લોકોનો અનુભવ કહે છે.
ફુકુશિમા પ્લાન્ટમાં જ્યારે ઉપરાછાપરી ધડાકાઓ થવા લાગ્યા ત્યારે જ જપાની સરકારે આ પ્લાન્ટની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં વસતા બે લાખ લોકોને પોતાના ઘરબાર છોડીને 'સલામત' સ્થળે ચાલ્યા જવાની સૂચના આપી હતી. આ સાથે જપાનની સરકારે ભલામણ કરી હતી કે આ પ્લાન્ટથી ૩૦ કિલોમીટરની ત્રિજયામાં જેઓ રહેતા હોય તેમણે પોતાનાં ઘરના બારી-બારણા બંધ રાખવાં અને ખાસ કારણ સિવાય ઘરની બહાર નીકળવું નહીં. હવે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ જાહેર કર્યુ છે કે ફુકુશિમા પ્લાન્ટની ૪૦ કિલોમીટરની ત્રિજયામાં આવેલા પ્રદેશોમાં જોખમી રેડિયેશન ફેલાઈ ગયું છે; માટે તેમને પણ ખાલી કરાવવાની આવશ્યકતા છે.
જપાનના લોકોને હવે ખ્યાલ આવ્યો છે કે તેમની બધી મુશ્કેલીઓના મુળમાં 'ટેપકો' કંપની છે, જેણે પ્રજાને એવી બાંયધારી આપી હતી કે ભૂકંપ કે સુનામી આવશે તો પણ ફુકુશિમાના પ્લાન્ટને કોઈ મુશ્કેલી નડશે નહીં. હવે લોકોને લાગે છે કે આ કંપનીએ તેમની સાથે મોટી છેતરપીડી કરી હતી, જેને કારણે તેઓ આજની તારીખમાં બેઘર બની ગયા છે. આવા બેઘર બનેલા હજારો લોકો બુધવારે ટોકિયોમાં 'ટેપકો' કંપનીની ઓફિસની બહાર ભેગા થયા હતા અને તેમણે અણુ ઉર્જાના વિરોધમાં નારાઓ પોકાર્યા હતા.
ફુકુશિમા પ્લાન્ટમાં જ્યારે ધડાકાઓ થવા લાગ્યા અને રેડિયેશન બહાર આવવા લાગ્યું ત્યારે જપાનની સરકારે ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા લોકોને 'સલામત' સ્થળે ચાલ્યા જવાની સૂચના આપી હતી; પણ તેમણે ક્યાં જવું એ બાબતમાં કોઈ માર્ગદર્શન આપ્યું નહોતું ત્યારે ગભરાટમાં લોકો જ્યાં મન પડે ત્યાં નાસીને પહોંચી ગયા હતા. હવે આવા લાખો લોકો શરણાર્થીઓ માટેની છાવણીઓમાં નર્કની યાતનાઓ ભોગવી રહ્યા છે. આ છાવણીઓમાં સરકાર દ્વારા તેમને પાયાની કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી. કડકડતી ઠંડીમાં તેમણે ખુલ્લા આકાશમાં સૂઈ રહેવું પડે છે. અત્યારે તેમની પાસે સંપત્તિમાં એક ખાટલો અને એક ધાબળો છે. પોતાની બાકીની બધી જ સંપત્તિ તેઓ પોતાના મૂળ વતનમાં મૂકીને જીવ બચાવવા નાસી છૂટયા છે.
જપાનમાં ભૂકંપ સુનામીના કારણે પોતાનાં ઘરો છોડીને ભાગી ગયેલા લાખો લોકો હવે પોતાના વતનમાં પાછા ફર્યા છે અને તેમને પોતાની જિંદગીને ફરીથી પાટા ઉપર ચડાવવાનો પુરુષાર્થ આદરી દીધો છે. પરંતુ ફુકુશિમા પ્લાન્ટને કારણે બેઘર બનેલા લોકો આજે નિરાશ્રીતોની છાવણીમાં કફોડી હાલતમાં જીવી રહ્યા છે. તેમાંના કોઈને ખબર નથી કે તેમને તેમના વતનમાં પાછા ફરવાની રજા ક્યારે આપવામાં આવશે. ઘણાને ભય છે કે તેમની જમીનો અને પાણીના સ્રોતો જો રેડિયેશનથી ખરડાઈ ગયા હશે તો તેઓ ક્યારેય પોતાના વતનમાં પાછા ફરી નહીં શકે અને કાયમ માટે તેમણે નિરાશ્રીતોની જેમ જ પોતાની જિંદગી પસાર કરવી પડશે. આ લોકો હવે કહી રહ્યા છે કે તેઓ માનવસર્જીત દુર્ઘટનાનો ભોગ બન્યા છે, જેના માટે ફુકુશિમાનો પ્લાન્ટ બાંધનારી 'ટેપકો' કંપની જવાબદાર છે.
ફુકુશિમાની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા જે લોકો પોતાના ઘરબાર છોડીને ચાલી નીકળ્યા હતા તેમને આશરે ૨૦૦ કિલોમીટર દૂર આવેલા યોકોટાની રાહત છાવણીમાં આશરો આપવામાં આવ્યો છે. બીજા આશરે ૨,૦૦૦ લોકો ટોકિયોની ઉત્તરે આવેલા સાઇતામા સુપર એરેના વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં આશરો લઈ રહ્યા છે. આવા લાખો લોકોને ફુકુશિમાના એટમિક પાવર પ્લાન્ટને કારણે જે હાડમારીઓ ભોગવવી પડી તે બદલ આર્થિક વળતર આપવાની કોઈ તૈયારી 'ટેપકો' કંપનીની હોય તેવું લાગતું નથી. આ બાબતની ચર્ચા વિચારણા હજી ચાલુ કરવામાં આવી નથી. ભારતમાં પણ જે વિદેશી કંપનીઓ અણુભઠ્ઠીઓ ઉભી કરવા માંગે છે તેઓ દુર્ઘટનાના પ્રસંગમાં જરૃરી વળતર આપવા તૈયાર નહોતી. આવી કંપનીઓને ભવિષ્યના સૂચિત નુકસાનમાંથી બચાવી લેવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં ન્યુક્લિયર લાયેબલિટી બિલ પસાર કર્યું છે. આ બીલ કાયદો બને તે પછી ભારતના કોઈ પણ અણુ ઊર્જા મથકમાં અકસ્માત થાય તો તેનું સંચાલન કરનારી કંપનીની બહુ મર્યાદિત જવાબદારી જ રહે છે. આ કંપની પ્રજાના જાનમાલને અબજો રૃપિયાનું નુકસાન કર્યા પછી થોડા કરોડ રૃપિયાનું વળતર આપીને છટકી જઈ શકે છે.
ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટની દુર્ઘટનાને કારણે બેઘર થયેલા લોકો કહે છે કે, 'અમને વારંવાર કહેવામાં આવ્યું હતું કે, આ પ્લાન્ટ એકદમ સલામત છે. હવે અમને ખ્યાલ આવે છે કે અમને છેતરવામાં આવ્યા છે. જો અમે માત્ર ભૂકંપ અને સુનામીનો જ ભોગ બન્યા હોત તો અમારી જિંદગી બહુ ઝડપથી નવેસરથી શરુ કરી શક્યા હોત. આ માનવસર્જીત આફત છે, જેના માટે જપાનની સરકાર અને 'ટેપકો' કંપની જવાબદાર છે. 'ટેપકો' કંપનીએ અમને જુઠા વચનો આપ્યા હતા અને જપાનની સરકારે તેની કોઈ ચકાસણી કરી નહોતી.' હવે 'ટેપકો'ના અધ્યક્ષે નિરાશ્રિત થયેલા લોકોની માફી માગી છે, પણ તેમને વળતર આપવાની બાબતમાં કોઈ ફોડ પાડયો નથી.
ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા લાખો લોકો ઉપરાંત ૩૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા હજારો લોકો પણ સાવધાની રાખવા માટે પોતાના ઘરબાર છોડીને ચાલી નીકળ્યા હતા. આ લોકો પણ નિરાશ્રિતોની છાવણીમાં વસવાટ કરી રહ્યા છે, જ્યાં આજે પણ પાયાની કોઈ સુવિધાઓ આપવામાં આવી નથી. આ લોકો ક્યારે ઘરે પાછા ફરવા મળશે એ બાબતમાં એકદમ અંધારામાં છે આ વાત તેમના હાથમાં નથી, સરકાર એટમિક પાવર પ્લાન્ટની કટોકટી ક્યારે દૂર કરી શકશે તેની પણ કોઈને ખબર નથી તેમને એવો પણ ભય છે કે જ્યારે તેઓ ઘરે પાછા ફરશે ત્યારે જો તેમના ખેતરોમાં રેડિયેશન ફેલાઈ ચૂક્યું હશે તો તેઓ ખેતી કેવી રીતે કરશે ? આ લોકો હવે ફુકુશિમા દાઇચી એટમિક પાવર પ્લાન્ટને ત્યાંથી કાયમ માટે દૂર કરવાની માંગણી પણ કરી રહ્યા છે. જપાનની સરકારને મોટી ચિંતા ચેર્નોબિલ પ્રકારની દુર્ઘટના ટાળવાની છે. એક વખત આ પ્લાન્ટ તેના અંકુશમાં આવી જાય અને ખતરો ટળી જાય તે પછી જ આ એટમિક પાવર પ્લાન્ટનું શું કરવું ? તેનો વિચાર જપાનની સરકાર કરી શકે છે.
જપાનના અણુ ઉર્જા મથકને કારણે ઊભી થયેલી આ અભૂતપૂર્વ કટોકટીમાંથી ભારતની પ્રજાએ બોધપાઠ લેવાની જરૃર છે. ભારતમાં જ્યાં ક્યાંય પણ નવા અણુ ઊર્જા મથકો ઉભા થઈ રહ્યા હોય તેના આજુબાજુના ૫૦ કિલોમીટરની ત્રિજયામાં વસતી પ્રજાએ સમજી લેવાની જરૃર છે કે સરકારની અને કંપનીઓની ગમે તેટલી ગેરન્ટી છતાં કુદરતી આપત્તિ આવે ત્યારે આ પ્લાન્ટમાં દુર્ઘટના ઘટી શકે છે. આ દુર્ઘટનાને પહોંચી વળવાની કોઈ યંત્રણા આ પ્લાન્ટના સંચાલકો પાસે નહીં હોય, જેને કારણે આજુબાજુ વસતા લોકોના મોત થઈ શકે છે અને લાખો લોકો બેઘર બની શકે છે. આ બેઘર બનેલા લોકોને ફરીથી વસાવવાની અથવા આર્થિક વળતર આપવાની પર્યાપ્ત જવાબદારીમાંથી આ પ્લાન્ટનું સંચાલન કરનારી કંપનીને સંસદના કાયદા દ્વારા મુક્તિ આપવામાં આવી છે. આ નિરાશ્રીતોને સરકાર જરૃરી મદદ કરશે, એવી પણ કોઈ ગેરન્ટી નથી. માટે જ ભારતના જે કોઈ પ્રદેશોમાં આવા જોખમી અને વિનાશક અણુ ઊર્જા મથકોની સ્થાપના થવાની હોય ત્યાં પ્રજાએ પોતાની તમામ તાકાત લગાવીને પણ અટકાવવા જોઈએ.

No comments:

Post a Comment