Thursday, April 7, 2011

07/04/2011 નેતાઓ ભ્રષ્ટ છે માટે તેઓ લોકપાલનો વિરોધ કરી રહ્યા છે


લોકસેવક અન્ના હજારે ઈ.સ. ૧૯૯૧ની સાલથી અત્યાર સુધીમાં ભ્રષ્ટાચાર સામે આઠ વખત ઉપવાસનું શસ્ત્ર સફળતાથી અજમાવી ચૂક્યા છે
સમાજસેવક અને ગાંધીવાદી કાર્યકર અન્ના હજારે જે લોકપાલ બીલ માટે નવી દિલ્હીના જંતરમંતર ખાતે આમરણ અનશન ઉપર ઉતર્યા છે તે લોકપાલની સંસ્થા આપણા રાજકારણીઓને ધોળા ધર્મે પણ ખપતી નથી. ભારતનાં કોઈ રાજ્યમાં લોકપાલની સંસ્થા અસરકારક રીતે કામ કરી રહી હોય તો તે કર્ણાટક છે. કર્ણાટકના લોકપાલ સંતોષ હેગડેએ મુખ્યપ્રધાન યેદિયુરપ્પા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધીને તેની તપાસ આદરી તેને પગલે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. કેન્દ્રમાં પણ લોકપાલની માગણી આજકાલની નથી પણ છેલ્લાં ૪૨ વર્ષથી આ હિલચાલ ચાલી રહી છે. આપણા નેતાઓ હવે લોકપાલના કાયદાને લાંબો સમય સુધી હવામાં લટકતો રાખી શકે તેમ નથી એટલે તેમણે સંસદમાં કોઈ પણ જાતની સત્તા વિનાના લોકપાલનો ખરડો પસાર કરવાની કવાયત આદરી છે.
આજની તારીખમાં આપણે જો કોઈ પ્રધાન, મુખ્ય પ્રધાન અથવા વડા પ્રધાન સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માંગીએ તો આપણે પોલીસમાં કે સીબીઆઈમાં તે ફરિયાદ કરવી પડે છે. પોલીસ અને સીબીઆઈ બંને સરકારના અંકુશમાં હોવાથી તેઓ કોઈ પ્રધાન સામેની ફરિયાદ લેતા જ નથી. અદાલતમાં ફરિયાદ કરવામાં પુષ્કળ સમયની અને ધનની બરબાદી થાય છે, માટે સામાન્ય માનવીનું તે ગજું નથી. વળી અદાલતમાં ચુકાદાઓ આવતાં વર્ષોનાં વર્ષો પસાર થઈ જાય છે. લોકપાલની સંસ્થા એવી હોવી જોઈએ કે તે વડા પ્રધાનથી માંડીને કોઈપણ સરકાર કર્મચારી સામેની ફરિયાદ સાંભળી શકે અને તે સરકારની મોહતાજ ન હોય. લોકપાલ તરીકે સુપ્રિમ કોર્ટના પ્રવર્તમાન અથવા નિવૃત્ત જસ્ટિસની નિમણુક કરવાની વાત છે. તેમની સાથે હાઈકોર્ટના બે જજો ઉપ-લોકપાલ તરીકે લેવાની વાત છે. જો ભારતમાં સ્વતંત્ર અનેેે સાર્વભૌમ લોકપાલની સંસ્થા અસ્તિત્વમાં આવે તો ભ્રષ્ટાચાર આચરનારા રાજકારણીઓની બૂરી વલે થાય તેમ છે.
ભારતની સંસદમાં લોકપાલનો પહેલવહેલો ખરડો ઇ.સ. ૧૯૬૮ની સાલમાં આવ્યો હતો. આ ખરડો ઇ.સ. ૧૯૬૯ની સાલમાં પસાર પણ થઈ ગયો હતો, પરંતુ તે કાયદો બને તે પહેલા સંસદનું વિસર્જન થયું હતું. તેને કારણે લોકપાલના ખરડાનું પહેલી વખત બાળ મરણ થયું હતું. ત્યાર બાદ ઈ.સ. ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૦૮ એમ નવ વખત બાળ મરણ થયું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે ભારતના સત્તાધારી પક્ષના રાજકારણીઓની જેમ વિરોધપક્ષના રાજકારણીઓ પણ સત્તાયુક્ત લોકપાલને ઇચ્છતા નથી. આજે ભાજપ અન્ના હજારેના આંદોલનને ટેકો જાહેર કરે છે, પણ કેન્દ્રમાં જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે લોકપાલનો કાયદો કરતા તેને કોઈ રોકતું નહોતું. ગુજરાતમાં તો લોકપાલનો કાયદો પણ પસાર થઈ ગયો છે તો પણ ગુજરાત સરકાર લોકપાલની નિમણુક કરવામાં ઢીલ કર્યા કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જો લોકપાલનો કાયદો અમલમાં આવે તો રાજકારણીઓના ભ્રષ્ટાચાર ઉપર લગામ આવી જાય તેમ છે.
ઈ.સ. ૨૦૦૪ના સપ્ટેમ્બર મહિનામાં વડા પ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યું હતું કે તેઓ લોકપાલના ખરડાને પસાર કરવામાં જરાય સમય નહીં ગુમાવે. આ જાહેરાતને સાડા છ વર્ષ વીતી ગયા પછી પણ સંસદમાં લોકપાલનો ખરડો પસાર થયો નથી. કેન્દ્ર સરકારે લોકપાલના ખરડાની સમીક્ષા કરવા માટે પ્રધાનોનું એક જૂથ બનાવ્યું છે, જેની આગેવાની કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારને સોંપવામાં આવી છે. અન્ના હજારે કહે છે કે ''શરદ પવાર પોતે જ ભ્રષ્ટ છે, તેઓ ભ્રષ્ટાચારને નાથવા માટેનો કાયદો કેવો બનાવશે?'' અન્ના હજારે શરદ પવાર ઉપર જાહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરનારા અન્ના હઝારે પડકાર ફેંકે છે કે 'શરદ પવાર જો સાચા હોય તો મારી સામે અદાલતમાં બદનક્ષીનો દાવો કરી શકે છે.' ઈ.સ. ૧૯૯૦ના દાયકામાં શરદ પવાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાને કારણે ચમકી ગયેલા મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ગોવિંદ રાધો ખૈરનાર પણ અન્ના હજારેના આંદોલનમાં સામેલ થઈ ગયા છે. જાંબાઝ પોલીસ ઓફિસર કિરણ બેદી, સ્વામી અગ્નિવેશ અને કપિલ દેવનો પણ ટેકો અન્ના હજારેના આંદોલનને મળી રહ્યો છે. ભારતની પ્રજા ભ્રષ્ટાચારથી એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે કે અન્ના હઝારેના આંદોલનને ભારતભરમાંથી સ્વયંભૂ પ્રતિસાદ મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારે અત્યારે જે લોકપાલ બીલ ડ્રાફ્ટ કર્યું છે તેમાં લોકપાલને ભાગ્યે જ કોઈ સત્તા આપવામાં આવી છે. આ બીલ મુજબ જો લોકપાલ સમક્ષ ભારતના વડા પ્રધાન અથવા કોઈ પ્રધાન સામે ભ્રષ્ટાચારની ફરિયાદ આવે તો તેમણે આ ફરિયાદ સંસદના અધ્યક્ષને ફોરવર્ડ કરી દેવાની રહેશે. સંસદના અધ્યક્ષને યોગ્ય લાગશે તો તેઓ લોકપાલને આ ફરિયાદની તપાસ કરવાની અનુમતિ આપશે. હવે સ્વાભાવિક છે કે કોઈ સંસદસભ્ય અથવા પ્રધાન સામે ભ્રષ્ટાચારની ફરિયાદ આવે તો સંસદના સભાપતિ આ ફરિયાદની તપાસ કરવાની રજા ન આપે અથવા રજા આપવામાં વિલંબ કરીને ભ્રષ્ટાચારીને મદદ કરે. અન્ના હજારેની માંગણી છે કે લોકપાલને પોતાની જાતે કોઈ પણ રાજકારણી સામે ફરિયાદ નોંધવાની અને તેની તપાસ કરવાની સત્તા હોવી જોઈએ. એક્ટિવિસ્ટોની માંગણી છે કે લોકપાલને પોતાની જાતે એફઆઈઆર નોંધવાની અને આરોપીની ધરપકડ કરવાનો પોલીસને આદેશ આપવાની પણ સત્તા હોવી જોઈએ.
અન્ના હજારે અને તેમના સાથીદારો માગણી કરી રહ્યા છે કે અત્યારે લોકપાલના ખરડાની ચર્ચા કરવા માટે સંસદસભ્યોની કે સિલેક્ટ સમિતિ બનાવવામાં આવી છે તેમાં લોકપ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવે. અન્ના હજારેની માંગણી મેગ્સાયસાય એવોર્ડ વીનર કિરણ બેદીને અને આરટીઆઈના એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલને આ સમિતિમાં સામેલ કરવાની છે. અન્ના હજારેની માંગણી છે કે લોકપાલને સરકારના પ્રધાનો ઉપરાંત જજ સાહેબો અને સરકારી અમલદારો સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવાની પણ સત્તા હોવી જોઈએ. તેમની માગણી મુજબ લોકપાલ સમક્ષ જે કોઈ ફરિયાદ લાવવામાં આવે તેનો નિકાલ છ મહિનામાં આવી જવો જોઈએ. જો કોઈ સરકારી અધિકારી કે પ્રધાન ભ્રષ્ટાચારના કેસમાં ગુનેગાર પુરવાર થાય તો તેને જન્મટીપની સજા કરવાની માંગણી પણ તેઓ કરી રહ્યા છે.
રાજકારણીઓના ભ્રષ્ટાચાર સામે જીવસટોસટની લડાઈ લડી રહેલા અન્ના હજારેનું અસલ નામ કિસન બાબુરાવ હજારે છે. તેઓ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગાંવ સિંધી ગામના વતની છે. અન્ના હજારેએ ભારતના લશ્કરમાં ૧૫ વર્ષ નોકરી કરી છે. તેઓ લશ્કરમાં હતા ત્યારે હતાશાને કારણે તેમણે આપઘાત કરવાના વિચારો પણ કર્યા હતા. ઈ.સ. ૧૯૭૭માં તેઓ લશ્કરમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પોતાના ગામ રાલેગાંવ સિંધીમાં પાછા ફર્યા હતા અને લોકોની સેવાનાં કાર્યો શરૃ કર્યાં હતાં. પાણીની અછતથી પીડાતા રાલેગાંવ સિંધીમાં તેમણે લોકફાળાથી સિંચાઈની નાની યોજનાઓ કરીને ગામને સ્વર્ગમાં ફેરવી નાંખ્યું હતું.
ઈ.સ. ૧૯૯૧માં અન્ના હજારેએ પોતાના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનનો પ્રારંભ કર્યો હતો. અત્યાર સુધીમાં તેઓ આઠ વખત અનશનનું આંદોલન ચલાવી ચૂક્યા છે. દરેક વખતે તેમને પોતાના આંદોલનમાં સફળતા મળી છે. ઈ.સ. ૧૯૯૧માં તેમણે જંગલ ખાતાંના ૪૨ ભ્રષ્ટ અધિકારીઓ સામે આંદોલન ચલાવ્યું હતું. જેઓ ગરીબોને લૂંટતા હતા. અન્ના હજારેના આંદોલનને કારણે સરકારે આ ૪૨ અધિકારીઓની બદલી કરવી પડી હતી. ઈ.સ. ૧૯૯૫-૯૬માં મહારાષ્ટ્રમાં જ્યારે શિવસેના-ભાજપ યુતિની સરકાર હતી ત્યારે અન્ના હજારે શશિકાંત સુતાર અને મહાદેવ શિવનકર નામના બે 'ભ્રષ્ટ' પ્રધાનો સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા. હજારેના આંદોલનને કારણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોષીને આ બે પ્રધાનોનાં ખાતાં બદલવાની ફરજ પડી હતી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની યુતિ સત્તા ઉપર આવી ત્યારે તેના ચાર પ્રધાનોના ભ્રષ્ટાચાર સામે અન્ના હજારેએ આંદોલન છેડી દીધું હતું. આ ચાર પ્રધાનોમાં પદ્મસિંહ પાટિલ, સુરેશ દાદા જૈન, નવાબ મલિક અને વિજયકુમાર ગાવિતનો સમાવેશ થતો હતો. આ માટે અન્ના હજારે ૧૦ દિવસના ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ગયા હતા. આ કારણે મહારાષ્ટ્ર સરકારને આ ચાર પ્રધાનોના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે જસ્ટિસ પી.બી. સાવંત કમિશન રચવું પડયું હતું. છેવટે આ ચારના ત્રણે ગાદી ગુમાવી હતી. ભારતમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ માટે પણ અન્ના હજારેએ લાંબી ઝુંબેશ ચલાવી હતી.
ભારતમાં આંગળીના વેઢે ગણાય એટલા જ નિષ્ઠાવાન ગાંધીવાદીઓ છે તેમાં અન્ના હજારેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં તો તેઓ ભ્રષ્ટાચારના વિરોધમાં અનેક આંદોલનનું નેતૃત્વ સફળતાથી લઈ ચૂક્યા છે. કેન્દ્રના સ્તરે જન લોકપાલ ખરડા માટેનું આ તેમનું પહેલું આંદોલન છે. તેમણે આ આંદોલન એવા તબક્કે છેડી દીધું છે કે જ્યારે દેશમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યાં છે. આ કારણે જ અન્ના હજારેના આંદોલનને દેશભરમાંથી વ્યાપક ટેકો મળી રહ્યો છે. એક બાજુ બાબા રામદેવ તેમના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન અંતર્ગત દરરોજ લાખોની મેદનીઓને સંબોધિત કરી રહ્યા છે તો બીજી બાજુ અન્ના હજારે દિલ્હીમાં અનશન ઉપર બેઠા છે. જો દેશની પ્રજા આ આંદોલનમાં પૂરી તાકાતથી સામેલ થશે તો ભારતના નેતાઓએ પોતાનું ભ્રષ્ટ આચરણ ભૂલી જવું પડશે.

No comments:

Post a Comment