Wednesday, April 6, 2011

5/4/11 ટીમ ઇન્ડિયાને ઘણી ખમ્મા ઃ હવે નેતાઓ ચમત્કાર કરી બતાવે!


પાકિસ્તાન અને શ્રીલંકા સામેના ક્રિકેટ જંગમાં પ્રજાએ જે ઊર્જા બતાવી તે રાજકારણમાં પણ બતાવે તો ભારત ખરા અર્થમાં વિશ્વવિજેતા બની શકે છે
ભારતને વર્લ્ડ કપ અપાવી ક્રિકેટરોની ટીમ ઇન્ડિયાએ ઉત્કૃષ્ટ દેશભક્તિનું અને સંઘભાવનાનું ઉદાહરણ પુરું પાડયું છે. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજી એપ્રિલની મધરાતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે ભારતને જાણે બીજી આઝાદી મળી ગઇ હોય તેવો ઉન્માદ લોકોમાં પેદા થયો હતો. દિલ્હી, મુંબઇ અને કોલકાતા જેવા મહાનગરોથી લઇ નાનાં નગરના લોકોએ તદ્દન સ્વયંભૂ રીતે સરઘસો કાઢયા હતા અને 'લંકાવિજય'ની ઉજવણી કરી હતી. ઇ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટ પછી કદાચ પહેલી વખત પ્રજામાં આવો ઉન્માદ જોવા મળ્યો છે. ઇ.સ. ૧૯૬૫માં અને ૧૯૭૧માં પાકિસ્તાન સામે આપણે બે યુદ્ધો જીત્યા ત્યારે પણ પ્રજામાં આવો ઉજવણીનો માહોલ જોવા નહોતો મળ્યો. પ્રજામાં પેદા થયેલો આ ઉન્માદ સાબિત કરે છે કે ભારતની પ્રજા કૌભાંડોથી કંટાળી ગઇ છે અને આપણો દેશ માત્ર ક્રિકેટમાં જ નહીં પણ તમામ મોરચે વિશ્વવિજેતા બને તેવું અંતઃકરણથી ઝંખી રહી છે. ભારતની ક્રિકેટ ટીમમાં તમામ ક્ષમતા હતી પરંતુ યોગ્ય નેતૃત્વનો અભાવ હતો. મહેન્દ્રસિંહ ધોનીએ 'કૂલ કેપ્ટન' બનીને આ નેતૃત્વ આપ્યું એટલે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપી જીતી શકી છે. હવે રાજકારણના ક્ષેત્રમાં પણ ધોની જેવું 'કૂલ' નેતૃત્વ મળી જાય તો ભારતને મહાસત્તા બનતાં કોઇ રોકી શકે તેમ નથી. ટીમ ઇન્ડિયાએ જ્યારે વર્લ્ડ કપ જીત્યો તે રાતે એવી મતલબના એસએમએસ ફરતા થયા હતા કે, ''આવતી કાલથી ભારતની પ્રજાને બધી ચીજવસ્તુઓ અડધી કિંમતે મળશે, આવતી કાલથી બધા ભ્રષ્ટાચારી નેતાઓ લશ્કરને શરણે આવશે, આવતી કાલથી વેપારીઓ ભાવો વધારવાનું બંધ કરી દેશે, આવતી કાલથી આપણી પ્રજા શિસ્તમય જીવન જીવતાં શિખી જશે, આવતી કાલથી બધા સરકારી અમલદારો નિષ્ઠાથી પ્રજાની સેવામાં લાગી જશે, હવે અન્ના હઝારેએ ભ્રષ્ટાચાર સામે આમરણ ઉપવાસ નહીં કરવા પડે, કારણ કે ભારતે વર્લ્ડ કપ જીતી લીધો છે. આ કપથી ભારતની બધી જ સમસ્યાઓ હલ થઇ જવાની છે.'' આ સંદેશાનો ટોન નેગેટીવ હતો કે 'વર્લ્ડ કપથી દેશની કોઇ સળગતી સમસ્યા હલ થવાની નથી.' અમને આ નેગેટિવ ટોનમાં પણ પોઝિટીવ સંદેશો વંચાય છે કે પાકિસ્તાન અને શ્રીલંકા સામે મુકાબલા વખતે ભારતની પ્રજામાં દેશભક્તિનો જે જુવાળ પેદા થયો હતો તેવો જુવાળ હવે ભ્રષ્ટાચાર અને દુરાચાર સામે જોવા મળે તો ગણતરીની ક્ષણોમાં ભારતમાં સત્તાપલ્ટો થઇ શકે છે અને ભારતને વિશ્વ વિજેતા બનાવે તેવું નેનૃત્વ મળી શકે છે.
આજથી ચાર વર્ષ પહેલાં પણ ભારતની ટીમ વર્લ્ડ કપમાં રમી હતી, પણ ક્વાર્ટર ફાઇનલમાંથી જ બહાર ફેંકાઇ ગઇ હતી. એક સમયે ભારતની ટીમના સભ્યો મેચ ફિક્સીંગના આરોપોથી ઘેરાયેલા હતા. ટીમ ઇન્ડિયાના કેટલાક ક્રિકેટરો દેશ માટે રમવાને બદલે પોતાના અંગત સ્વાર્થ માટે રમતા હતા. તેઓ બૂકીઓ સાથે મળીને મેચો ફિકસ કરતા હતા અને ભારતને હરાવીને કરોડો રૃપિયાની કમાણી કરતા હતા. આ ખેલાડીઓની હકાલપટ્ટી કરવામાં આવી ત્યાર પછી ભારતની ટીમનો ચડતો સૂરજ જોવા મળ્યો છે. ભારતના રાજકારણમાં પણ આજે એવી જ પરિસ્થિતિ પ્રવર્તમાન છે દેશનું નેતૃત્વ જે નેતાઓના હાથમાં છે તેઓ પ્રજાનું હિત વિચારવાને બદલે પોતાનાં સ્વીસ બેંકનાં ખાતાંઓમાં ધન જમા કરાવવામાં પડયાં છે. આ નેતાઓની સત્તામાંથી હકાલપટ્ટી કરવામાં આવે તો રાજકીય અને આર્થિક મોરચે આપણો દેશ સડસડાટ પ્રગતિ કરીને અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓને પણ શિકસ્ત આપી શકે તેમ છે.
ભારતની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે પ્રજામાં રહેલી ઉર્જા બહાર આવી ગઈ હતી. રાજકારણીઓને ચૂંટણી વખતે જે ટોળાંઓ ઊભાં કરવા માટે કરોડો રૃપિયાનો ખર્ચ કરવો પડે તેવાં ટોળાંઓ રાતના ૧૨ વાગ્યે એક પણ રૃપિયાના ખર્ચ વિના સ્વયંભૂ શેરીઓમાં ઉમટી પડયાં હતાં. તેમાં મોટા ભાગના યુવાનો અને ટીનએજરો હતા. હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઇને તેઓ 'ભારત માતા કી જય' ના ગગનભેદી નારાઓ લગાવી રહ્યા હતા. આ ટોળાંઓને બરાબર ખબર હતી કે તેઓ માત્ર ક્રિકેટની મેચમાં મળેલા વિજયની ઉજવણી કરી રહ્યા છે, જેનાથી દેશની કોઇ સમસ્યા હલ થઇ જવાની નથી. તેમ છતાં તેમના નારાઓમાં ભારત સર્વ ક્ષેત્રમાં વિશ્વવિજેતા બને તેવી ઝંખના દેખાયા વિના રહેતી નહોતી. આ ઝંખનાને સાકાર કરે તેવી સક્ષમ નેતાગીરીની હવે ભારતને જરૃર છે.
ભારત ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યું તેને કારણે દેશના ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ નેતાઓને કામચલાઉ રાહત મળી ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતના રાજકીય મોરચે એક પછી એક કૌભાંડો બહાર આવવાથી રાજકારણીઓની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ હતી અને પ્રજામાં ધૂંધવાઈ રહેલો ભારેલો અગ્નિ ગમે ત્યારે ભભૂકી ઉઠશે તેવો નેતાઓને ડર લાગતો હતો. હવે ભારતના ક્રિકેટરોએ વર્લ્ડ કપ જીત્યો એટલે પ્રજા તેના નશામાં ખોવાઇ ગઇ છે અને ૨-જી સ્પેકટ્રમ કૌભાંડથી માંડીને કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ અને મોંઘવારીથી માંડીને બેકારી જેવી સમસ્યાઓ ભૂલી ગઈ છે. આ સમસ્યાઓને કારણે પ્રજામાં પેદા થયેલા રોષની ઉર્જા વર્લ્ડ કપ જીતવાના ઉન્માદમાં ટ્રાન્સફર થઇ ગઇ છે. આ કારણે રાજકારણીઓ ઉપરથી દબાણ ઘટી ગયું છે અને તેઓ જબરદસ્ત હળવાશ અનુભવી રહ્યા છે. કદાચ એટલે જ પ્રજાની જેમ આપણા નેતાઓ પણ ભારતે વર્લ્ડ કપ જીત્યો તેની ઉજવણીમાં સામેલ થઇ ગયા હતા.
સમીક્ષકો ભલે કહેતા કે 'ભારતે જેટલી સહેલાઇથી વર્લ્ડ કપ જીત્યો એટલી સહેલાઇથી દેશની સમસ્યાઓ હલ થઇ જવાની નથી.' ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીતવા માટે જે વ્યૂહરચના અપનાવી તેવી વ્યૂહરચના જો ભારતની પ્રજા પણ અપનાવે તો ભારત આર્થિક અને રાજકીય મોરચે પણ વર્લ્ડ કપ જીતી શકે છે. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીતવા માટે જેમ યોગ્ય કોચ શોધી કાઢ્યો હતો તેમ ભારતની પ્રજાની શક્તિઓનો સમન્વય કરે અને તેમની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે કેવા કોચની જરૃર છે. આવા કોચ કદાચ બાબા રામદેવ જેવા સંતો અથવા અન્ના હઝારે જેવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ગાંધીવાદી નેતાઓ બની શકે તેમ છે. ભારતના કોચે તેના કેપ્ટન સાથે મળીને ખાઇ બદેલા જૂના જોગીઓની ટીમમાંથી હકાલપટ્ટી કરી હતી તેમ દેશના માર્ગદર્શકે પ્રજાનો સાથ લઇને પેધી ગયેલા ભ્રષ્ટ નેતાઓની સત્તાના સિંહાસન ઉપરથી હકાલપટ્ટી કરવાની જરૃર છે. આ માટે કોઇ હિંસક ક્રાંતિ કરવાની જરૃર નથી. આગામી લોકસભાની ચૂંટણીઓમાં ચારિત્ર્યવાન અને નીતિવાન ઉમેદવારોને જ ચૂંટવાનો સંકલ્પ કરીને પ્રજા અહિંસક સત્તાપરિવર્તન લાવી શકે છે.
છેલ્લાં ચાર વર્ષથી ભારતની ટીમના ક્રિકેટરોનું એક સપનું હતું કે ૨૧ વર્ષથી ભારત માટે ક્રિકેટ રમી રહેલા મહાન બેટસમેન સચિન તેંડુલકર માટે વર્લ્ડ કપ જીતવો. આ સપનાંને કારણે ટીમના દરેક સભ્યમાં જબરદસ્ત ઉત્સાહનો અને આશાનો સંચાર થયો હતો. ટીમ સામે એક ગોલ હતો, જેને સાકાર કરવા માટે ટીમના દરેક સભ્યે પોતાની શ્રેષ્ઠ શક્તિઓને કામે લગાવવાની હતી અને અંગત સ્વાર્થને બાજુએ મૂકી દેવાનો હતો. આ કોમન ગોલમાં જબરદસ્ત ટીમ સ્પિરિટ પેદા થયો હતો. ભારતની પ્રજા સચિન તેંડુલકરના સ્થાને ભારત માતાને અથવા માતૃભૂમિને મૂકી શકે છે. માભારતીનું સૌભાગ્ય ચમકાવવા માટે અને તેના ચહેરા ઉપર સ્મિત લાવવાની ભાવનાથી જો ભારતની પ્રજા પણ પોતાના અંગત સ્વાર્થને કોરાણે મૂકીને પોતાની તાકાત કામે લગાવે તો દેશનો જીર્ણોદ્ધાર કરી શકાય તેમ છે. રાજકારણીઓ દ્વારા પ્રજાને હિન્દુ-મુસ્લિમ, દલિત-સવર્ણ, સામ્યવાદી- મૂડીવાદી વગેરે જે વિભાગોમાં વહેંચી દેવામાં આવી છે તે ભેદભાવો ભૂલીને ભારતની પ્રજા જો સંઘ ભાવના પેદા કરે અને દેશના દુશ્મનો સામે સંગઠિત થઇને લડે તો દેશમાં પણ ક્રાંતિ થઇ શકે તેમ છે.
ટીમ ઇન્ડિયાએ ૨૮ વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો તેમાં મહેન્દ્રસિંહ ધોનીની ગંભીર અને આત્મવિશ્વાસથી છલકાતી કેપ્ટનશિપની પણ બહુ મહત્વની ભૂમિકા હતી. પહેલા અફલાતૂન વ્યૂહરચના કરવાની અને પછી ગમે તેટલી કટોકટીની ક્ષણોમાં પણ મગજનું સંતુલન ન ગુમાવવાની કળા ધોનીએ ગજબની આત્મસાત કરેલી છે. આ કળા ત્યારે જ કામ આવે જયારે શરીરની દરેક નસોમાં દેશપ્રેમ ધબકતો હોય. ભારતની ટીમે ૩૧ રનના સ્કોરે સહેવાગની અને સચિનની વિકેટ ગુમાવી દીધી ત્યારે પણ ધોનીનો આત્મવિશ્વાસ ડગ્યો નહોતો, જે તેણે વિજયી છક્કો મારીને સાબિત કરી આપ્યું હતું. ભારતે જો દેશ તરીકે મહાસત્તા બનવું હશે તો પહેલા તો માત્ર આપણા દેશ માટે જ રમે તેવો કેપ્ટન અને દેશપ્રેમથી છલકાતા નેતાઓ શોધી કાઢવા પડશે. ભારતના વડાપ્રધાન જો દેશપ્રેમી હોય, ગંભીર હોય, આત્મવિશ્વાસથી છલકાતા હોય અને કટોકટીમાં પણ ધીરજ ન ગુમાવે તેવા હોય તો આપણા દેશને મહાસત્તા બનતા કોઇ રોકી શકે તેમ નથી.
ક્રિકેટમાં અને રાજકારણમાં ઘણો ફરક છે. ક્રિકેટમાં તો આપણે યોગ્ય ટીમ પસંદ કરીને પછી બધી જવાબદારી ટીમના ૧૧ ખેલાડીઓ ઉપર છોડી દેવાની હોય છે. ક્રિકેટના રણમેદાનમાં તેઓ લડવા ઉતરે ત્યારે આપણે તો તેમની માટે દુઆઓ માંગી શકીએ છીએ અને પ્રાર્થનાઓ જ કરી શકીએ છીએ. ક્રિકેટરો જયારે મેદાન ઉપર રમતા હોય છે ત્યારે દેશનું ભવિષ્ય અને દેશની ઇજ્જત તેમના હાથમાં હોય છે અને આપણે લાચાર હોઈએ છીએ. રાજકારણમાં તો રમતનું સુકાન પ્રત્યેક તબક્કે પ્રજાના હાથમાં હોય છે. પ્રજા ધારે તો રાજકારણીને સિંહાસન ઉપર બેસાડી શકે છે અને ધારે તેને સિંહાસન ઉપરથી નીચે ઉતારી પણ શકે છે. રાજકારણમાં ખરી રમત પ્રજાએ રમવાની હોય છે. શું આપણી પ્રજા ક્રિકેટ પછી રાજકારણમાં પણ ભારત વિશ્વવિજેતા બને તેવું ઇચ્છે છે ખરી ? તો પ્રજાએ સક્રિય બનવાની જરૃર છે. જે દિવસે પ્રજાની વિરાટ તાકાત જાગૃત થશે ત્યારે ભારત પણ વિશ્વની સૌથી મહાન મહાસત્તા બનશે, તેમાં કોઇ શંકા નથી.

No comments:

Post a Comment