Thursday, March 24, 2011

હસન અલીની કબૂલાત અનેક નેતાઓની પોલ ખોલશે



હવાલા કિંગ હસન અલીની કબૂલાત મુજબ મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોનાં કાળાં નાણાંને ધોળાં કરવાનું કાર્ય તેઓ કરતા હતા
જપાનના દરિયામાં જેવું સુનામી આવ્યું તેવું સુમાની ભારતના રાજકારણમાં આવે એવી તમામ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. એક બાજુ સંસદમાં કેશ ફોર વોટની ધમાલ ચાલી રહી છે તો બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરોની કસ્ટડીમાં રહેલો ઘોડાના તબેલાનો માલિક હસન અલી ભારતના રાજકારણીઓનાં એક પછી એક રહસ્યો બહાર પાડી રહ્યો છે. વિકિલિક્સે કેશ ફોર વોટના પ્રકરણમાં જે સનસનાટીભરી હકીકતો બહાર પાડી તેનાથી ખ્યાલ આવે છે કે આપણા સંસદસભ્યો રૃપિયા ખાતર દેશને પણ વેચી દેવામાં સંકોચ અનુભવે તેવા નથી. ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ મિસ્ટર ક્લિન છે એવા દાવાઓનો પણ પર્દાફાશ આ દસ્તાવેજોમાં કરવામાં આવ્યો છે. આ બાજુ હસન અલીએ એવી સનસનાટીભરી કબૂલાત કરી છે કે મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોના બેનંબરના નાણાંને સગેવગે કરવા માટે જ તેણે વિદેશી બેન્કોમાં ખાતાંઓ ખોલાવ્યાં હતાં. આ ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો કોણ હશે તે અટકળનો વિષય છે.
ભારતના રાજકારણીઓ દેશને લૂંટીને કેવી રીતે કાળું ધન એકઠું કરે છે અને હવાલાની ચેનલ દ્વારા તેને વિદેશી બેન્કોમાં જમા કરાવીને તેને ધોળું બનાવે છે તે આખી મોડસ ઓપરેન્ડી હસન અલીની કબૂલાતમાંથી બહાર આવી છે. ગયા શનિવારે હસન અલીએ પૂછપરછ દરમિયાન સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતના અનેક રાજકારણીઓ અને ઉચ્ચ સરકારી અમલદારોના કાળાં નાણાંને ધોળાં કરવાની ફેક્ટરી તે ચલાવતો હતો. આ પ્રક્રિયામાં તેણે વિદેશી બેન્કોમાં ૩૬,૦૦૦ કરોડ રૃપિયા જેટલું કાળું નાણું મોકલ્યું હતું. આ નાણાંને ધોળું કરવા માટે સ્ટોક એક્સચેન્જનો ઉપયોગ કરવામાં આવતો હતો. હસન અલીના શસ્ત્રોના સોદાગર અદનાન ખાશોગ્ગી સાથેના સંબંધો બહાર આવ્યા પછી મુંબઈની એક કોર્ટે વિચિત્ર સંયોગોમાં તેને જામીન ઉપર છોડી દીધો હતો. આ કિસ્સામાં સુપ્રિમ કોર્ટે દરમિયાનગીરી કરીને હસન અલીના જામીન રદ્દ કર્યા છે, જેને કારણે એન્ફોર્સમેન્ટ ખાતાંના અધિકારીઓ તેની પૂછપરછ કરી શક્યા છે.
ભારતના રાજકારણીઓ અને સરકારી બાબુઓ મળીને પ્રજા પાસેથી લૂંટેલા કાળાં નાણાંને ધોળાં કરવા માટેનું એક સમાંતર બેન્કિંગ નેટવર્ક દેશમાં ચલાવે છે. હસન અલીને જ્યારે ઈ.સ. ૨૦૦૭ની સાલમાં પહેલી વખત પકડવામાં આવ્યો ત્યારે અશોક દેશાભ્રતાર નામના એક ઈમાનદાર અફસરે તેની પાસેથી આ સમાંતર બેન્કિંગ બાબતમાં ઘણી વિગતો ઓકાવી હતી અને તેની છૂપી રીતે સીડી બનાવી લેવામાં આવી હતી. આપણા નેતાઓ જે વાત દબાવી દેવાની કોશિષ કરતા હતા તેને બહાર આણવાની કોશિષ આ અમલદારે કરી તેની સજા તરીકે તેમને આ કેસમાંથી ટ્રાન્સફર કરીને રેલવેમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે મહારાષ્ટ્ર સરકારે તેમનું પ્રમોશન અટકાવવાની સજા કરી છે. અશોક દેશાભ્રતારે હસન અલીના કેસમાં ઈન્ટરવિનર તરીકે દાખલ થવાની પરવાનગી માંગી હતી પણ મહારાષ્ટ્ર સરકારે આ પરવાનગી આપવાનો પણ ઈનકાર કરી દીધો છે. એક લોકશાહી દેશમાં સત્યના ગળે ટૂંપો દેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હસન અલીએ એન્ફોર્સમન્ટ ખાતાંના અધિકારીઓને આપેલી માહિતી મુજબ ભારતના રાજકારણીઓ તેમની અબજો રૃપિયાની અનીતિની કમાણી હવાલાની ચેનલ દ્વારા વિદેશમાં લઈ જતા હતા અને વિદેશી બેન્કોમાં જમા કરાવતા હતા. તેમાં પણ શેરબજારમાં રોકવા માટેનાં નાણાં ખાસ કરીને મોરેશિયસની બેન્કોમાં જમા કરાવવામાં આવતા હતા. આ નાણાં પાર્ટિસિપેટરી નોટ્સના માધ્યમથી ભારતમાં લાવવામાં આવતા હતા અને અલગ અલગ કંપનીઓના નામે સ્ટોક માર્કેટમાં રોકવામાં આવતા હતા. થોડા સમય અગાઉ શેર બજારમાં પાર્ટિસિપેટરી નોટ્સના માધ્યમથી નાણાં રોકવા બાબતમાં ભારે ઉહાપોહ થયો હતો અને તેના ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી પણ 'સેબી' સમક્ષ કરવામાં આવી હતી. જોકે આ રીતે ભારતના ટોચના રાજકારણીઓનાં નાણાં જ શેર બજારમાં ઠલવાતા હોવાથી તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. હસન અલીની વાત જો સાચી માનીએ તો તેણે વિદેશી બેન્કોમાં જે ૩૬,૦૦૦ કરોડ રૃપિયા જમા કરાવ્યા હતા તે ત્યાંથી પગ કરી ગયા છે અને ભારતના શેર બજારમાં રોકાઈ ગયા છે. ઘણી વખત આ નાણાં ભારતની કંપનીઓમાં સીધા વિદેશી રોકાણ તરીકે પણ રાજકારણીઓના મિત્રો મારફતે રોકવામાં આવતા હતા.
ઈ.સ. ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં મહારાષ્ટ્રના અનેક રાજકારણીઓ અને સરકારી અમલદારો હસન અલીના સંપર્કમાં આવ્યા હતા. મહારાષ્ટ્રના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના જમાઈએ એક કંપની ફ્લોટ કરી હતી. આ કંપનીમાં વિદેશી રોકાણના રૃપમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના જ કાળાં નાણાં રોકવામાં આવ્યા છે. એ દિવસોમાં શેર બજારમાં પાર્ટિસિપેટરી નોટ્સના માધ્યમથી અબજો રૃપિયા ઠાલવવામાં આવ્યા હતા, જેને કારણે શેર બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. કેન્દ્ર સરકારે આ પાર્ટિસિપેટરી નોટ્સ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત ફેલાવી તેને પગલે શેર બજારમાં કડાકો બોલી ગયો હતો. હસન અલીનો દાવો છે કે તે પોતે આ મોટી રમતમાં માત્ર નાની માછલી જ છે. તેને તો અબજો રૃપિયાની હેરાફેરી કરવામાં નાનકડું કમિશન જ મળે છે.
હસન અલી કયા રાજકારણીઓ અને સરકારી અમલદારો માટે કામ કરતો હતો તેમનાં નામો હજી એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ જાહેર કરવાની ઉતાવળમાં નથી. આ રાજકારણીઓ દ્વારા કઇ વિદેશી બેન્કોમાં કયા તબક્કે કેટલા રૃપિયા જમા કરાવ્યા હતા તેની ઝીણામાં ઝીણી વિગતો એન્ફોર્સમેન્ટ ખાતાંના અધિકારીઓ અત્યારે હસન અલી પાસેથી કઢાવી રહ્યા છે. આટલી માહિતી રાજકારણીઓનાં નામો જાહેર કરવા માટે પૂરતી નથી. હસન અલી પાસેથી માહિતીનો તાળો વિદેશી બેન્કોનાં ખાતાંઓની લેવડદેવડની વિગતો સાથે મેળ ખાતી હોવી જોઈએ. આ તાળો મેળવવા માટે એન્ફોર્સમેન્ટ ખાતાં દ્વારા વિદેશી બેન્કોના ભારત ખાતેના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હસન અલીના સ્વીસ બેન્કનાં ખાતાંઓની વિગતો ત્રણ વર્ષ અગાઉ બહાર આવી હતી તો પણ આ રાજકારણીઓની વગને કારણે હસન અલી સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. તાજેતરમાં હસન અલીની ધરપકડ કરવામાં આવી તે પણ સુપ્રિમ કોર્ટના સખત દબાણને કારણે જ કરવામાં આવી છે.
ભારતના મોટા ભાગના રાજકારણીઓ પોતાની બે નંબરની કમાણી હવાલાની ચેનલ દ્વારા વિદેશમાં મોકલતા આવ્યા છે. હસન અલીનો દાવો છે કે તે મોટા ભાગના રાજકારણીઓના સંપર્કમાં આ હવાલાના વેપારીઓના કારણે જ આવ્યો હતો.
હસન અલીએ આપેલી માહિતી મુજબ તેણે ઈ.સ. ૧૯૮૨ની સાલમાં યુબીએસ બેન્કની સિંગાપોર બ્રાન્ચમાં પાંચ કરોડ રૃપિયાની ડિપોઝીટ સાથે ખાતું ખોલાવ્યું હતું. ઈ.સ. ૧૯૯૯ની સાલમાં આ ખાતાંની બેલેન્સ વધીને એક અબજ ડોલર (આશરે ૪,૫૦૦ કરોડ રૃપિયા) થઈ ગઈ હતી. ઈ.સ. ૨૦૦૧ની સાલ પછી અલીનાં ખાતાંની બેલેન્સ બહુ ઝડપથી વધવા માંડી હતી. આ ખાતાંમાં દુબઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી થોકબંધ ડોલર આવવા લાગ્યા હતા. ઈ.સ. ૨૦૦૧માં અમેરિકા ઉપર ત્રાસવાદી હુમલો થયો તે પછી મધ્ય પૂર્વની બેન્કોમાંથી હસન અલીનાં ખાતાંમાં ડોલરનો પ્રવાહ વધી ગયો તેનું કારણ એ હોઈ શકે કે આ કાળમાં આરબ દેશોની બેન્કોનાં ખાતાંઓ અમેરિકાના દબાણને કારણે બંધ કરવામાં આવ્યાં હોય તેવું બની શકે છે. આ ડોલર સ્વીસ બેન્કનાં ખાતાંમાં ઠાલવવામાં આવ્યા હતા.
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના હેવાલ મુજબ ઈ.સ. ૨૦૦૨-૨૦૦૩ની સાલમાં હસન અલીનાં સ્વીસ બેન્કનાં ખાતાંમાં ૫,૪૦૪ કરોડ રૃપિયા જેટલી રકમ જમા હતી. આ રકમ ઇ.સ. ૨૦૦૬-૨૦૦૭ની સાલમાં વધીને ૫૪,૨૬૮ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગઈ હતી. હસન અલીએ ઘોડાના તબેલામાંથી આટલી કમાણી કરી હોય તે શક્ય નથી. હસન અલી તો. ઈ.સ. ૧૯૮૨ની સાલમાં યુબીએસની સિંગાપોર બ્રાન્ચમાં જમા કરાવવામાં આવેલા પાંચ કરોડ રૃપિયા ક્યાંથી આવ્યા તેનો સાચો ખુલાસો પણ આપી શક્યો નથી. જોકે તાજેતરમાં કેન્દ્રના નાણાં પ્રધાન પ્રણવ મુકરજીએ પત્રકારોને માહિતી આપી હતી કે હસન અલીના સ્વીસ બેન્કનાં ખાતાંમાં રહેલા આઠ અબજ ડોલર હવે પગ કરી ગયા છે. આ નાણાં ભારતના અર્થતંત્રમાં જ ઠલવાયા હોવાની શંકા રહે છે.
હસન અલીની આ કબૂલાત ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે કેન્દ્ર સરકારમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ ઉપર પણ નિયંત્રણ ધરાવતા નેતાઓ તેને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
આ નેતાઓ ક્યાં તો શાસક પક્ષના હોઈ શકે અથવા તેના કોઈ સહયોગી પક્ષના હોઈ શકે. કેન્દ્રમાં એવા કયા શક્તિશાળી નેતા છે, જેઓ એક સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પણ હતા, તેમના નામની કલ્પના કરવી બહુ મુશ્કેલ નથી. હવે આ નેતા શી કરામત કરે છે તે જોવાનું રહે છે. હસન અલીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ ખરેખર સત્ય શોધવાની કવાયત કરી રહ્યું છે કે સુપ્રિમ કોર્ટના દબાણને કારણે સત્ય શોધવાનું નાટક કરી રહ્યું છે તેનો ખ્યાલ હજી આવતો નથી. સત્ય અને અસત્ય વચ્ચેના જંગમાં છેવટે સત્યનો જ વિજય થશે એવી આશા આપણે રાખી શકીએ ખરા?

No comments:

Post a Comment